નવીદિલ્હી
પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના આરોપીઓને પકડવામાં લાગેલી પોલીસને મોટી સફળતા મળી છે. સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં સામેલ સંતોષ જાધવની પૂણે, પંજાબ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ગુજરાતથી ધરપકડ કરી છે. સંતોષ જાધવને તેના એક સાથી નવનાથ સૂર્યવંશી સાથે પકડવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ હત્યાકાંડમાં સંતોષ જાધવ પણ સામેલ હતો. ોલીસે સંતોષ જાધવને રવિવારે મોડી રાત્રે ડ્યુટી મેજિસ્ટ્રેટ સામે હાજર કર્યો હતો. કોર્ટે તેને ૨૦ જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધી આઠ આરોપીઓની ઓળખ થઇ ચૂકી છે. આ મામલામાં સૌરભ મહાકાલની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ રાજ્યોની પોલીસ તપાસમાં લાગેલી છે. પોલીસનું માનવું છે કે સંતોષ જાધવની પૂછપરછ પછી આ હત્યાકાંડ સંબંધિત મહત્વની સાબિતી હાથ લાગી શકે છે. સત્તાવાર નિવેદન પ્રમાણે લોરેન્સ બિશ્નોઇના સભ્ય જાધવની ૨૦૨૧માં પૂણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં એક હત્યાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે નાગનાથ સૂર્યવંશીનું નામ મુસેવાલા હત્યાકાંડમાં સામે આવ્યું છે. પૂણે પોલીસે ૨૦૨૧ દરમિયાન થયેલા હત્યાકાંડ પછી જાધવને આશરો આપનાર આરોપી સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરભ મહાકાલની થોડા દિવસ પહેલા ધરપકડ કરી હતી. મુસેવાલા હત્યાકાંડના સિલસિલામાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને પંજાબ પોલીસે તેની પૂછપરછ કરી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલા તેની રેકી કરવામાં આવી હતી. હરિયાણાના યુવક સંદીપ ઉર્ફે કેકડાએ તેની રેકી કરી હતી. કેકડા સિદ્ધુ મુસેવાલાના ઘરે પ્રશંસક બનીને ગયો હતો. પોલીસે ધરપકડ કરેલા સંદીપ ઉર્ફે કેકડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે સેલ્ફી લેવાના બહાને તેના મિત્રો નિક્કુ અને કેશવ સાથે સિદ્ધુ મૂસેવાલાના ઘરે ગયો હતો. ત્યાં તેણે થાર કારનો ફોટો પણ લીધો હતો અને કેશવ અને નિકકુને મોટરસાઇકલ પર બેસાડી પાછા લઇ ગયો હતો. ત્યારબાદ બંને કારમાં સવાર થયા હતા. જ્યારે કેકડો મોટરસાયકલ લઈને ચાલ્યો ગયો હતો. તમને જણાવી દઈએ કે સંદીપ ઉર્ફે કેકડા એક ડ્રગ એડિક્ટ છે. તેની સામે એનડીપીસીના કેસ પણ નોંધાયેલા છે.


