વડોદરા
ઉંમર અને શોખ સામે શોખ વધુ જવાન અને ઉંમરને કોઈ લેવા દેવા નહીં તેવી કહેવત સાથે વડોદરામાં ૧૦૬ વર્ષના દોડ વીરાંગના રમાબાઈ હાલમાં પહેલીવાર યોજાયેલી નેશનલ માસ્ટર એથ્લેટિક ગેમમાં રમવા માટે માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આવ્યા છે. ૧૦૦ મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક વિજયના દેખાવથી આશ્ચર્યચકિત અને અભિભૂત થઈ ગયેલા ખેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદરભાવ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. આ સાથે જ જણાવ્યું હતું કે, રમાબાઈ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ પહેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં ૩૫ વયના ૧૪૪૦ જેટલા વડીલ રમતવીરો યુવાનો જેવા ઉત્સાહ સાથે દેશભરમાંથી ભાગ લઈ રહ્યાં છે. એક દાદીમા અને તેમના વડીલ પૌત્રી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. હરિયાણાના ચરખી દાદરીના રમાબાઇએ ૧૦૦ મીટર દોડમાં ઉતરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેઓ છેલ્લા એક વર્ષથી સતત દોડી રહ્યાં છે અને ખૂબ ઉત્સાહ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો છે. તેમની જ પ્રપૌત્રી શર્મિલા સાંગવાન ૩૦૦૦ મીટરની ચાલમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. તેઓ પોતાની દાદીમા સાથે ભાગ લેવાને લઈને ખૂબ રોમાંચિત હતા. તેમણે કહ્યું કે મારા દાદીમા સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને અમારું રમત પ્રેમી પરિવાર દેશભરમાં યોજાતી રમત હરીફાઈમાં ભાગ લે છે. ૮૨ વર્ષના હરિયાણાના જગદીશ શર્મા શૌચની સમસ્યા સાથે મેદાનમાં ઉતર્યા હતા અને ૧૦૦ મીટરની દોડમાં બીજા નંબરે જીત્યા હતા. તેઓ લાંબા કુદકામાં ભાગ લેશે. ૮૨ વર્ષના શાલિની દાતાર પણ આ પહેલી માસ્ટર એથ્લેટિક રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સહુને ગુજરાતમાં આવકાર્યા હતા અને ૧૦૬ વર્ષના રમાબાઈને સહુ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ખમણ ઢોકળાનું રાજ્ય ગણાતા ગુજરાતમાં સફળ ખેલાડીઓ ઘડાઈ રહ્યાં છે અને પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં વિજેતા બની રહ્યાં છે. સખત પરિશ્રમ અને સમર્પણ જ ખેલાડીને વિજેતા બનાવે છે.


