Gujarat

ગામના લોકોની ઉંઘ હરામ કરનાર ખુંખાર દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત

ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામમાં બે દિવસ પહેલા એક ખેડૂતના ઘરમાં ઘૂસી ફળીયામાં રહેલા ત્રણ પશુઓના મારણ કરનાર ખુંખાર હિંસક દીપડાને પકડવા વનકર્મીઓએ કવાયત હાથ ધરી હતી. ત્યારે ગતરાત્રીના દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત થઈ છે. આ અંગે જાણવા મળેલી વિગત મુજબ તાલાલાના માધુપુર ગીર ગામના રેલવે સ્ટેશન પાસેની ગીચ ઝાડીમાં ઘણા દિવસોથી પડાવ નાખનાર હિંસક દીપડાએ ગામના આંબાવાડી વિસ્તારમાં આંટાફેરા કરી અબોલ પશુઓનું મારણ કરી જતો હતો. આ દરમ્યાન આ હિંસક દિપડાએ બે દિવસ પહેલા ગામના જ એક ખેડૂતના ઘરની દિવાલ કુદી અંદર ઘુસી ફળીયામાં રહેલા ત્રણ પશુઓનું મારણ કરી જતા ગામ લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી. આ ઘટનાને લઈ માધુપુર ગામને બાનમાં લેનાર હિંસક દિપડાને કેદ કરવા વન વિભાગ ફોરેસ્ટર પ્રવિણબાપુ, રહીમભાઈ, જાનમહંમદભાઈએ ગામમાં દોડી આવી દિપડાની હિલચાલ અંગે ગ્રામજનો પાસેથી માહિતી મેળવી હતી. બાદમાં બેએક સ્થળોએ મારણ સાથેનું પાંજરૂ મુકી દિપડાની અવર-જવર ઉપર વોંચ શરૂ કરી હતી. દરમ્યાન ગત મોડીરાત્રીના દિપડો શિકાર માટે ગામમાં આવેલ ત્યારે પાંજરામાં રહેલ મારણની લાલચમાં અંદર જતા જ કેદ થઈ ગયો હતો. આ સમયે હાજર વનકર્મીઓએ પાંજરૂ લોક કરી કેદ થયેલ હિંસક દીપડાને છ માસ માટે સાસણ એનિમલ કેર સેન્ટર મોકલી દીધો હતો. ગામને બાનમાં લેનાર દિપડો કેદ થયાના સમાચારથી ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી હતી.

Relief-among-the-old-villagers-in-the-dreaded-panther-cage.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *