અમદાવાદ
સુરતમાં ૩૮ વર્ષ અગાઉ ગુમ થયેલા દીકરાના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા ૮૬ વર્ષના પિતાએ ૧૦ વર્ષ કાનૂની લડાઈ લડવી પડી છે. છેવટે હાઈકોર્ટે ૮૬ વર્ષના પિતાને મૃત્યુનું પ્રમાણપત્ર આપી દેવા સરકારને આદેશ કર્યો છે. ૧૯૮૪માં તેમનો દીકરો ગુમ થઈ ગયો હતો. તેને શોધવા પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ વર્ષો સુધી તેને શોધી શકાયો ન હતો. છેવટે પિતાએ દીકરાને મૃત જાહેર કરવા અરજી કરી હતી. જાેકે સિવિલ કોર્ટે તે ફગાવી દીધી હતી. ત્યાર બાદ પિતાએ દીકરાને મૃત જાહેર કરવા અને મૃત્યુનું સર્ટિફિકેટ મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં રજૂઆત કરી હતી કે, સિવિલ કોર્ટે અરજી ફગાવતાં એવી ટકોર કરી હતી કે, અરજદારે દીકરાના ગુમ થયાના ૧૦ વર્ષમાં અરજી કરી હોત તો સર્ટિફિકેટ મળી ગયું હોત, પરંતુ કાયદા અનુસાર અરજી ઘણા વર્ષો બાદ કરાઈ છે. વૃદ્ધ પિતાએ એવી દલીલ કરી હતી કે, તેમનો દીકરો જીવિત હશે તેવી આશાએ મૃત્યુનું સર્ટિફિકેટ મેળવવા કાર્યવાહી કરી ન હતી, પરંતુ ૪ દાયકા થવા આવ્યા તેથી હવે કોઈ આશા રહી નથી. દીકરો ગુમ થયો ત્યારે તે પિતરાઇ ભાઈના ઘરે રહીને કોલેજમાં જતો હોવાથી તેની સાથે કંઈ અજુગતું થયું હોવાની દહેશતે દીકરાને શોધવા જાહેરખબરો પણ આપી હતી, પરંતુ સિવિલ કોર્ટે તેમની પાસે દીકરાના ગુમ થયાના પુરાવા માગ્યા હતા.
