અમદાવાદ
સુરતમાં રહેતો નિકુંજ સરવૈયા નામનો યુવક ફોટોગ્રાફીનું કામ કરે છે.નિકુંજને અન્ય ફોટોગ્રાફર ઘનશ્યામભાઈ દ્વારા ડાકોર ખાતે પાર્થ શાહ નામના યુવકના ત્યાંથી બાબરી માટે ફોટોગ્રાફીનો ઓર્ડર મળ્યો હતો.ઘનશ્યામભાઈએ નિકુંજને કેમેરો,લેન્સ તથા અન્ય સામગ્રી આપી હતી અને પાર્થ બસમાં જ મળશે તેવું કહ્યું હતું.જે બાદ નિકુંજ અમદાવાદની બસમાં બેઠો હતો. ત્યારે પાર્થ શાહ તેને બસમાં મળ્યો હતો.બસમાં બેસીને બીજા દિવસે સવારે તેઓ અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેશન આવ્યા હતા. ગીતામંદિર બસ સ્ટેશન પહોંચ્યા બાદ પાર્થે નિકુંજને કહ્યુ કે આપણે ડાકોર જવાનું છે. તમે શૌચાલયમાં જઈને કપડાં બદલી નાખો. નિકુંજ કેમેરાની બેગ અને સમાન પાર્થને આપીને કપડાં બદલવા ગયો હતો.૧૦ મિનિટમાં નિકુંજ કપડાં બદલીને આવ્યો ત્યારે પાર્થ અને કેમેરાની બેગ નહોતી. નિકુંજે આસપાસ તપાસ કરી પરંતુ પાર્થ મળ્યો નહતો. જેથી પાર્થને ફોન કર્યો હતો પરંતુ ફોન પણ લાગ્યો નહતો એટલે પાર્થ બધો સામાન લઈને ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે નિકુંજે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અમદાવાદમાં સુરતના એક યુવક સાથે ઠગાઈનો બનાવ બન્યો છે.સુરતથી ફોટોગ્રાફરને ડાકોર બાબરીમાં જવાનું કહીને લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ બસ સ્ટેશન પર ફોટાગ્રાફરને કપડાં બદલવા મોકલીને તેની કેમેરાની બેગ, લેન્સ તથા મોનોપોડ લઈને યુવક ફરાર થઇ ગયો હતો. આ મામલે ફોટોગ્રાફરે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


