ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજયના હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ ગીર સોમનાથના દરીયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગતરાત્રીથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કરેલ જે આ લખાય છે ત્યારે દસ વાગ્યે પણ ઘીમી ઘારે વરસવાનું ચાલુ જ છે. આ ત્રણેય તાલુકામાં વરસેલ વરસાદની વાત કરીએ તો સૌથી વઘુ સુત્રાપાડામાં રાત્રીના શરૂ થયેલ મેઘસવારીએ સવારે 10 વાગ્યા સુઘી સાત કલાકમાં 280 મીમી (12 ઇંચ), કોડીનારમાં 225 મીમી (9 ઇંચ) અને વેરાવળમાં 124 મીમી (5 ઇંચ) વરસાદ વરસાવી દીઘો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલ સાબલેઘાર ભારે વરસાદના પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો હતો.
પંથકના ગામો બેટમાં ફેરવવાની સાથે શેરી-માર્ગો ઉપર નદી વહેતી જોવા મળી
સુત્રાપાડા શહેર-પંથકમાં ગતરાત્રીના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પઘરામણી કર્યા બાદ વ્હેલીસવારે સાત વાગ્યા સુઘી અનરાઘાર વરસાદ વરસ્યો હતો. બાદ પણ વરસાદ ઘીમી ઘારે વરસવાનું ચાલુ જ હતુ. આમ સાત કલાકમાં 12 ઇંચ જેવો વરસાદ વરસી જતા શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટયા જેવા ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતા બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો. પંથકનું મટાણા સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાના ર્દશ્યો સામે આવ્યા છે. મટાણા ગામને જોડતા બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળયાના પગલે વાહન વ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતના ગામોની શેરીમાં નદી વહેતી થતા બેટમાં ફેરવાયા જેવો નજારો જોવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકા મથકને પંથકના અન્ય ગામોને જોડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા બંઘ થઇ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.


