વંદે ગુજરાત વિકાસ યાત્રા જૂનાગઢ તાલુકાના બીલખા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સાથે જ હાઇસ્કુલની બાળાઓએ પણ કુમ-કુમ તિલક કરી વંદે ગુજરાત વિકાસ યાત્રાના વધામણા કર્યા હતા.
આ પ્રસંગે આ બીલખાની હાઈસ્કૂલમાં પીવાના પાણી માટે રૂપિયા ૨ લાખના ખર્ચે આર.ઓ.પ્લાન્ટનું લોકાર્પણ તથા બીલખાની વિવિધ આંગણવાડીઓમાં રૂપિયા ૫ લાખના ખર્ચે આર.ઓ.પ્લાન્ટ માટે ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાતના બે દાયકાની વિકાસ ગાથા રજૂ કરતી ફિલ્મને પણ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અનકભાઈ ભોજકએ જણાવ્યું કે, ગુજરાત સરકાર જરૂરિયાત મંદ લોકોને સુવિધા મળી રહે તે માટે કામગીરી કરી રહી છે અને ગરીબ પરિવારો વિવિધ યોજનાથી વંચિત ન રહી જાય તેવી તકેદારી રાખી વિકાસનો રથ આગળ વધારી રહી છે. આ તકે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા હાઈસ્કૂલના પટ્ટાગણમાં વૃક્ષારોપણ કરી રોપાઓનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યો હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


