“વંદે ગુજરાત વિકાસયાત્રા” નર્મદા જિલ્લો
———–
ગામલોકોની સુખાકારી માટે રૂપિયા ૭.૮૦ લાખના કામોની ઘોષણા : ૨૩ જેટલા લાભાર્થીઓને સ્થળ પર મહાનુભાવોના હસ્તે કરાયું લાભોનું વિતરણ
———–
નઘાતપોર ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયો “વંદે ગુજરાત વિકાસયાત્રા” કાર્યક્રમ
———–
“વંદે ગુજરાત વિકાસયાત્રા” નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા બાદ ગરૂડેશ્વર તાલુકામાં પ્રવેશી વિવિધ ગામોમાં ભ્રમણ કરી રહી છે. વિકાસયાત્રાનો રથ આજે ગરૂડેશ્વર તાલુકાના નઘાતપોર ગામે આવી પહોંચ્યો હતો, જ્યાં ગામના આગેવાનોએ કુંવારિકાઓના હસ્તે કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. પ્રાથમિક શાળા નઘાતપોરના કેમ્પસ ખાતે નઘાતપોર ગ્રૃપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મહેન્દ્રભાઈ તડવી, ગરૂડેશ્વર તાલુકાના તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી મનોજભાઈ રાઠવા, સામાજિક વનીકરણ રાજપીપલાના ફોરેસ્ટ ઓફિસરશ્રી અલ્કેશભાઈ ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ અમલી યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલા રસ્તા અને અગાઉ તૈયાર થયેલો રસ્તો, ગામલોકોને શુદ્ધ પીવાના પાણીની બારેમાસ સુવિધા મળી રહે તે માટે બોર- મોટર અને હેન્ડ પંપ સહિતના રૂપિયા ૭.૮૦ લાખના વિકાસ કામોની ઘોષણા કરવામાં આવી હતી. આ અવસરે સરકારશ્રીની વિવિધ યોજનાના ૨૩ જેટલા લાભાર્થીઓને સ્થળ પર મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ અને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યાં હતાં.
“વંદે ગુજરાત વિકાસયાત્રા” ના ઉક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને ગરૂડેશ્વર તાલુકા ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીશ્રી મહેશભાઈ બારિયાએ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. રથની વિશેષતા સમજાવતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કામોની ગાથા સાથે તેની સફળતાની ઝાંખી જન જન સુધી પહોંચે તેવો પ્રયાસ આ વિકાસ રથ થકી કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગામેગામ લોકોમાં પણ ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિકાસ રથ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષ રથ પણ ગામેગામ લઈ જવામાં આવી રહ્યો છે. વનવિભાગ દ્વારા ગામ લોકોને રોપા વિતરણ કરી તેનું જતન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી.


