શહેરા તાલુકાના નવીવાડી ગામમાં આવેલ શ્રી ચામુંડા માતાના મંદિર ખાતે અમદાવાદના તપોનિષ્ઠ બાળ બ્રહ્મચારી ભાગવત કથાકાર પ.પૂ.સંતશ્રી શરદભાઇ ત્રિવેદી (અમરેલીવાળા)ની નિશ્રામાં સદગુરૂ પૂજન અને સત્સંગ જ્ઞાનયજ્ઞ યોજાયો હતો.સવારે ૯ થી ૧૨ ગુરૂપૂજન ત્યારબાદ બપોરના ૩ થી ૬ દરમ્યાન લઘુ ભાગવતકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યાસપીઠ ઉપરથી પોતાના પ્રવચનમાં સંતશ્રીએ કહ્યું હતું કે જગતમાં ગુરૂ સુલભ છે પણ સદગુરુ મળવા દુર્લભ છે.સત્ય પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન કરાવે,સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરૂ.માત્ર શબ્દોથી ઉપદેશ આપે તેને ગુરૂ કહેવાય.અત્યારના જમાનામાં આવા ગુરૂ ઠેર ઠેર જોવા મળે છે,જેનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન અને ભક્તિ,વૈરાગ્યથી ભરેલો છે અને એક પળ પણ પ્રભુ પરમાત્માના દર્શન વગર રહી શકતા નથી તે મહાત્મા સદગુરૂ છે.કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી કે પરમાત્માના માર્ગે વળતો નથી.
સત્ય પરમાત્માનું સ્વરૂપ છે.અસત્ય બોલનારને પાપ લાગે છે,પુણ્યનો ક્ષય થાય છે.મિતભાષી થશો તો સત્યભાષી થશો.આંખ અને કાનથી જ પાપ થાય છે તે શુદ્ધ હશે તો જ ભક્તિ આવશે.ગમે તેવો પાપી હોય પણ ભાગવતકથા પ્રેમથી સાંભળે તો પાપનો નાશ થાય છે.ઇશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની વિશ્વાસથી સુમિરણ કરવું.સો કામ છોડી ભજન કરો,હજાર કામ છોડી સ્નાન કરો,લાખ કામ છોડી દાન કરો અને કરોડ કામ છોડી સેવા-સુમિરણ-સત્સંગ કરો.અતિ સંપત્તિ વધે એટલે માણસ પ્રમાદી થાય,તેનામાં વિકાર-વાસના વધે.પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી.પ્રભુકૃપા કરે તો સંત મળે છે.સ્વાદ ભોજનમાં નહી પણ ભૂખમાં છે,મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી સંત મળે તો પણ સંતમાં સદભાવ થતો નથી એનું કારણ જીવને ભગવદ દર્શનની ઇચ્છા જ થતી નથી.પરમાત્મા સાથે પ્રેમ કરવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો પડશે.
દારૂ અને દારામાં ફસાય છે તે જીવનના સાચા અમૃતથી વંચિત રહી જાય છે.ભોગો ભોગવવાથી તૃપ્તિં થતી નથી,ભોગોના ત્યાગથી જ શાંતિ મળે છે.મુક્તિનું ફળ મેળવવા ભક્તિ કરનારાઓને લૌકિક સુખની કામના ના કરવી.રોગથી બચવા યોગનો સહારો લો.સ્ત્રી લક્ષ્મી સમાન સુખ આ૫નારી,શારદા જેવી જ્ઞાનધારી અને દુષ્ટોનો નાશ કરવાના સમયે કાલિકા બની શકે છે.આમ સ્ત્રીઓમાં લક્ષ્મી શારદા અને કાલિકાની શક્તિઓ મૌજૂદ છે.
સંતશ્રી બીજલબાપાના કૃપાપાત્ર શિષ્ય પૂ.વિજ્યા દીદી,બાલાશિનોર કોલેજના પ્રિન્સિપાલ ર્ડા. દિનેશભાઇ માછી તથા ભક્તરાજ ભીખારામ મહારાજના અનુગામી મહા.શ્રી યોગેશકુમાર માછીની અધ્યક્ષતામાં ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ મોટી સંખ્યામાં હરી ભક્તોએ હાજર રહી ગુરૂપૂજન તથા સંતવાણીનો રસાસ્વાદ લીધો હતો.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

