પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમે જુનાગઢ ખાતેની એ.જી. હાઇસ્કૂલ ખાતેના મેદાનમાં આયોજિત સખી મેળા તથા ગુજરાત સરકારના ૨૦ વર્ષના વિકાસની ઝાંખી રજૂ કરતા પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું
આ સખી મેળામાં આઝાદીકા અમૃત મહોત્સવને લક્ષ્યમાં રાખીને ૭૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મંત્રીશ્રી માલમે આ સ્ટોલની મુલાકાત લઈ, સ્વ-સહાય જૂથોની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિકારાત્મકરૂપે ખરીદી પણ કરી હતી. આ સાથે મંત્રીશ્રીએ સખી મંડળની બહેનો સાથે સંવાદ સાધી તેમની વસ્તુઓની જાણકારી પણ મેળવી હતી. આ સખીમેળો અને વંદે ગુજરાત પ્રદર્શન તા. ૨૧ જૂન સુધી સવારે ૦૯ થી સાંજે ૦૯ કલાક દરમિયાન ખુલ્લુ રહેશે.
આ પ્રસંગે મંત્રી શ્રી દેવાભાઈ માલામે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે પ્રતિબદ્ધ છે. આ માટે મહિલાઓના સંખીમંડળને રોજગારી આપવા અને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓને એક બજાર પણ મળે તે માટે સખી મેળાના માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આર્થિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલાઓને અનામતની સાથે ૩૩ ટકા સરકારી નોકરીઓમાં પણ અનામત આપવામાં આવ્યું છે. કન્યા કેળવણી, બેટી બચાવ-બેટી વધાવો, મહિલાઓની મદદ માટે 181 હેલ્પલાઇન ઉપરાંત મહિલાઓના વિકાસ માટે નારી ગૌરવ નિધિ અમલમાં સહિતની મહિલા ઉત્કર્ષની કામગીરી કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, જિલ્લાની સ્વ-સહાય જૂથોની આ બહેનો આજીવિકા મેળવી શકે તે માટે જિલ્લાની ૩૯ સખીમંડળોને રૂની દિવેટ બનાવવા માટેના મશીન પણ આપવામાં આવ્યા છે.
આ સાથે તેમણે આંતરમાળખાકીય વિકાસ માટે જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી ૨૪ કલાક વીજળી, રોડ-રસ્તાનુ નિર્માણ કરવાની સાથે આરોગ્ય, કૃષિ, પશુપાલન સહિતના ક્ષેત્રોના વિકાસ કાર્યોને જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે જણાવ્યું કે, સમાજ-દેશના વિકાસમાં મહિલાઓના પાયાની ભૂમિકા છે, તેમને સન્માન આપવાની સાથે આગળ વધવાની તક આપવામાં આવે ત્યારે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થઈ શકે છે. આમ, મહિલાઓને આર્થિક રીતે પગપર બને તે માટે સખીમંડળીની બહેનોને સખી મેળાના માધ્યમથી એક બજાર ઉપલબ્ધ કરવામાં આવે છે, જેથી આ બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની પણ એક આગવી ઓળખ ઊભી થઈ શકે. તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.જે. જાડેજા એ હાર્દિક સ્વાગત અને જી.એલ.પી.સી.ના મેનેજર શ્રી કિરણ વ્યાસે આભાર વિધિ કરી હતી. તેમજ સખી મંડળના સંચાલક શ્રીમતી ભાવનાબેન ત્રાંબડીયાએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારી વાળા, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ દિહોરા સહિતના અધિકારી અને સખીમંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
