Gujarat

વંથલીના સખી મંડળની બહેનોને ૫૦૦૦ દીવડા, ૫૦૦ રાખડી, ૧૫૦૦ ગણપતિ બનાવવાની મળ્યો અમેરિકાથી ઓર્ડર

જૂનાગઢ જિલ્લાના વંથલીના ગોપી મંગલમ સ્વ સહાય જૂથને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તથા ગિર ગૌ જનત સંસ્થાના સહયોગથી તાજેતરમાં ૫૦૦૦ દીવડા, ૫૦૦ રાખડી, ૧૫૦૦ ગણપતિ અમેરિકા મોકલવાનો ઓર્ડર  મળ્યો છે. તેમ વંથલીના તાલુકા લાઈવલીહુડ મેનેજરશ્રી મિતલ મેનપરાએ જણાવ્યું હતું.

વંથલીના ગોપી મંગલમ સ્વ સહાય જૂથ દ્વારા રાખડી, ગણપતિ, હવન કુંડા, શાકનો મસાલો, ફેસ પેક, નસ્ય એલોવેરાનો સાબુ, સરગવાના પાવડરની ગોળી સહિતની વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. જેમાં મોટાભાગની વસ્તુઓ પોતાના પ્રાકૃતિક ખેતરની જ પેદાશ અને ગાયના ગોબરમાંથી બનેલી હોય છે.

આ જૂથને પોતાની આર્થિક પ્રવૃત્તિનો વ્યાપ વધારવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે  રૂપિયા એક લાખની લોન પણ મળી હતી.

આ જૂથના મુખ્ય સભ્યશ્રી ભાવનાબેન ત્રાંબડીયા માહિતી ખાતાની ટીમને કહે છે કે છેલ્લા છ વર્ષથી હું આ જૂથમાં  જોડાઈને  આર્થિક ઉપાજન માટેની વિવિધ પ્રવૃત્તિ કરી રહી છું. આજુબાજુના ગામોમાં પણ બહેનોને પગભર કરવા  આવા કેટલાક જૂથો ઉભા કરીને બહેનોને આર્થીક ઉપાર્જનની પ્રવૃતિઓ પણ શીખવીએ છીએ.

પોતાની પારિવારીક સ્થિતિ વિશે વાત કરતા ભાવનાબેન ત્રાંબડીયા કહે છે કે, અમારે ૧૦ વીઘા જમીન અને ૪૦ ગાયો છે. આ ગાયોની સાર સંભાળ સહિતની પશુપાલનની પ્રવૃત્તિ હું જાતે જ કરી રહી છું. અમે જે પ્રોડક્ટનું વેચાણ સખી મંડળમાં કરીએ છીએ તેમાં મારા બંને પુત્રો પણ ખૂબ સહાય કરે છે. મારો મોટો પુત્ર એગ્રીકલ્ચરમાં જ માસ્ટર થયેલો છે તે અનિલ  પ્રાકૃતિક ખેતી કરવા ઉપરાંત ખાતર પણ  બનાવે છે.  આ ખાતરને ઘન જીવામૃત કહેવાય છે. જ્યારે નાનો દીકરો  કે જે એન્જિનિયરનું ભણેલો છે તે અમારા સ્વ સહાય જૂથના માર્કેટિંગની પ્રવૃત્તિમાં મદદ  રૂપ થાય છે.

તેઓ વધુમાં કહે છે કે  જ્યારે હું શરૂઆતમાં સખી મંડળમાં જોડાઈ ત્યારે મારી વસ્તુ તો બની જતી હતી પરંતુ તેના માર્કેટિંગ તેમજ પેકેજીંગની સમસ્યા રહેતી હતી. સરકારશ્રીના જિલ્લા ગ્રામ વિકાસ  એજેન્સી દ્વારા અપાતી સમયાંતરે અપાતી વિવિધ વિષયોની તાલીમના કારણે માર્કેટિંગ અને પેકેજીંગમાં અમારી હથોટી આવી ગઈ છે. જેને અમારી પ્રવૃત્તિનો વ્યાપ અને વિસ્તાર વધાર્યો છે.

જુનાગઢમાં વંદે ગુજરાત અન્વયે સાત દિવસ સુધી યોજાનારા પ્રદર્શન કમ વેચાણના સખી મેળાના પોતાના સ્ટોલ વિશે ભાવનાબેન પ્રતિભાવ આપતા કહે છે કે સરકાર દ્વારા અમને આવા મેળા થકી વિનામૂલ્યે સ્ટોલ ફાળવી એક બજાર – માર્કેટિંગનું સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આવા મેળાઓમાં અમને ગ્રાહકોનો સારો એવો પ્રતિસાદ મળે છે.

Vande-gujarat-sakhi-stoll-19.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *