Gujarat

પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટેના જિલ્લા વહીવટી તંત્રના આગવા અભિગમને બિરદાવતા મંત્રીશ્રી

પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમે જૂનાગઢના આઝાદ ચોકમાં જૂની હોસ્પિટલ ખાતે શરૂ થયેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની મુલાકાત લીધી હતી.

      મંત્રીશ્રીએ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટેની જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલને બિરદાવી હતી. સાથે જ મંત્રીશ્રીને આ કાફે અને સખીમંડળના સંચાલક રેખાબેન સોલંકીએ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની વિશેષતાઓ અને અહીં મળતા પ્રાકૃતિક આહાર વિશે અવગત કરાવ્યા હતા.

    આ તકે મંત્રીશ્રી દેવાભાઈ માલમે આસિસ્ટન્ટ કલેકટર શ્રી હનુલ ચૌધરી, અધિક નિવાસી કલેકટર શ્રી એલ. બી. બામણીયા, પ્રાંત અધિકારી શ્રી ભૂમિ કેશવાલા જોડે ચા પીવાની સાથે પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ કાફે સંપૂર્ણ રીતે સખીમંડળની બહેનો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

    આ કાફેમાં પ્રાકૃતિક રીતે પકવેલ અનાજ-શાકભાજીમાંથી બનાવેલ ભોજન પીરસવામાં આવે છે. આ ફૂડનો લોકો ઓનલાઈન ઓર્ડર કરીને પણ સ્વાદ માણી શકે છે.

    આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જીગર જસાણી, મામલતદાર સુશ્રી તન્વી ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *