મહેસાણા
મેહસાણા ના વિજાપુરમાં કોલવડા ગામે રહેતા અને સુરત આંગડિયા પેઢી ચલાવતા બે માલિકોને બામણવા ગામે પેઢીના રૂપિયા પરત આપવાના ખોટા બહાને બોલાવી ને ખેતરમાં બેસાડી તલવારની અણીએ તારે જીવતા જવું હોય તો બીજા ૧૦ લાખ મગાવ કહી મારપીટ કરી હોવાની ફરિયાદ લાડોલ પોલીસમાં નોંધાવી છે. પોલીસે બામણવાના એક અને માણસાના ગલથરાના બે સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતા સમાચાર મુજબ, વિજાપુર તાલુકાના કોલવડા ગામે દુધિયાપરામાં રહેતા ભરતભાઈ નાથાભાઈ પટેલે ગામના જ દશરથભાઈ મોતીભાઈ પટેલ અને ચાણસ્માના મુકેશભાઈ જીવરામભાઈ પટેલ સાથે ભાગીદારીમાં સુરત ખાતે ડી. જયંતિભાઈના નામે આંગડિયા પેઢીની પ્રથમ ઓફિસ શરૂ કરી હતી અને ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં આ જ પેઢીની ઝારખંડના રાંચી ખેલગાંવ મૂડ ખાતે બીજી ઓફિસ શરૂ કરી હતી. જ્યાં તેમના ગામના જ મહેશજી વિહોલના સાળા ગજેન્દ્રસિંહ ઉર્ફે કાળુ ભરતસિંહ બારડ (રહે. ગલથરા, તા.માણસા)ને નોકરી પર રાખ્યો હતો. ગત ૯ માર્ચના રોજ ગજેન્દ્રસિંહ તેમની આંગડિયા પેઢીની રાંચી ઓફિસથી રૂ.૨૭.૫૦ લાખ લઈને કોલકત્તા ખાતે એક પાર્ટીને આપવા માટે નીકળ્યો હતો પણ તે પહોંચ્યો ન હતો અને ત્યારે તેમના ભાગીદાર દશરથભાઈ અને ગામના મહેશજીએ તપાસ કરતાં ગજેન્દ્રસિંહ રૂપિયા લઈને અમદાવાદ પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એટલે તેઓ ઘરે પરત આવી ગયા હતા. ત્યાર બાદ ૧૫ માર્ચના રોજ ભરતભાઈ અને તેમના ભાગીદાર દશરથભાઈ, મહેશજીવિહોલને લઈ ગજેન્દ્રસિંહના ઘરે ગલથરા ગયા હતા. જ્યાં તેની દાદીએ મારો પૌત્ર સેફ છે અને તેને સમજાવી તમારા રૂપિયા પરત આપી દઈશું તેમ જણાવ્યું હતું. કેટલાક દિવસ બાદ મહેશજી વિહોલે ગજેન્દ્રસિંહ તેના ફઈના ઘરે બામણવા હોવાનું કહેતાં ફરીથી ભરતભાઈ પોતાના ભાગીદાર અને મહેશજી સાથે બામણવા ગયા હતા, પણ ગજેન્દ્રસિંહ મળી આવ્યો ન હતો. દરમિયાન, ગત ૬ જુલાઈએ બામણવાના સુરજસિંહ ઉર્ફે વલી પ્રવિણસિંહ ચૌહાણનો ફોન આવ્યો હતો કે તમે સુંદરપુરા આવો, હું તમને ગજેન્દ્રસિંહની માહિતી આપું. ભરતભાઈ ફરીથી ભાગીદાર દશરથભાઈને લઈ સુંદરપુર ગયા હતા. જ્યાં સૂરજસિંહ ઉર્ફે વલી ઈનોવા લઈને આવ્યો હતો અને ગાડીમાં બેસાડી એક ખેતરમાં લઈ જઇ બંનેને બેસાડી દીધા હતા અને તું કેમ મારા મામાના ઘરે જઈ રૂપિયાની ઉઘરાણી કરે છે તેમ કહી લાકડીથી માર માર્યો હતો. આ વખતે ત્યાં ગજેન્દ્રસિંહે આવીને ભરતભાઈને લાફો માર્યો હતો અને તેના ભાઈ મહાવીરસિંહે હાથમાં તલવાર લઈ ભરતભાઈના ગળામાંથી બળજબરીપૂર્વક સોનાનો દોરો અને વીંટીઓ તેમજ પાકીટમાંથી રૂ.૩૫૦૦ રૂપિયા કાઢી લીધા હતા. દરમિયાન, ત્યાં સુરજસિંહની માતા અને બહેન તેમજ બીજા માણસો આવી જતાં તેમણે ભરતભાઈને વધુ મારથી છોડાવી સોનાનો દોરો, વીંટીઓ અને રૂ.૨૫૦૦ પાછા અપાવ્યા હતા. ઘરે પહોંચેલા ભરતભાઈએ સારવાર કરાવી લાડોલ પોલીસ મથકે ગજેન્દ્રસિંહ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભરતભાઈને ખેતરમાં ગોંધી રાખનાર સુરજસિંહ ઉર્ફે વલીએ એક તબક્કે તારે જીવતું જવું હોય તો બીજા ૧૦ લાખ મંગાવ કહી માર માર્યો હતો.
