Gujarat

લોન આપવામાં સરકાર નથી કરતી કંજૂસી, વેપાર સાથે જ વધી છે અમારી ખુશી” સરકારની મદદથી ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ની લોન લઈ ગણેશ મિશન મંગલમ સખીમંડળની બહેનોએ ભરી છે સફળતાની ઉચી ઉડાન..

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના યજ્ઞમાં શ્રમરૂપી આહૂતી આપી પગભર થતી ગણેશ મિશન મંગલમ સખીમંડળની બહેનો પહેલાં છ કલાક મહેનત કરતાં ત્યારે માંડ ૧૫૦ રૂપિયા મળતાં, હવે ૧ પીસ અમે ૧૫૦ રૂપિયાનો વેંચી નફો રળીએ છીએઃ હરેશ્વરીબહેન બારૈયા
 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
 દેવાધિદેવ મહાદેવના આંગણે સરકાર દ્વારા સખીમેળો યોજાયો છે. જેમાં, જૂનાગઢ, બોટાદ, દ્વારકા, મોરબી, જામનગર સહિત રાજ્યભરના ગામડાઓમાંથી પણ વિવિધ સખીમંડળોએ ભાગ લીધો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના આવા જ એક સખીમંડળ ગણેશ મિશન મંગલમના હરેશ્વરીબહેન બારૈયા પણ સખીમેળાનો પોતાનો સુખદ અનુભવ જણાવતા કહે છે કે, પહેલા હું પ્રાઈવેટ એક્ઝિબિશન કરતી પરંતુ તેમાં સ્ટોલનું ભાડું જ તોતિંગ રહેતું. જેથી નફા પર માર પડતો અને મોટાભાગનો નફો તો સ્ટોલના ભાડારૂપે જ ખર્ચાઈ જતો હતો. હવે સખીમેળામાં નિઃશુલ્ક સ્ટોલ મળવાથી નફો વધે છે. જેથી ઉદ્યમસાહસિક મહિલાઓને વધારે સાનુકૂળ વાતાવરણ મળી રહે છે. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવા બદલ સરકારનો આભાર.
ગણેશ મિશન મંગલમ સખીમંડળમાં હરેશ્વરીબહેન બારૈયા સહિત ૧૦ બહેનો સાથે મળીને કામ કરી રહ્યાં છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના યજ્ઞમાં શ્રમરૂપી આહૂતી આપી મંડળની બહેનો જાતમહેનતથી પગભર બની છે. હરેશ્વરીબહેન પહેલા પ્રાઈવેટ એક્ઝિબિશનમાં ભાગ લેતાં હતાં. જ્યાં સ્ટોલનું ભાડું જ ૩૦૦૦થી ૫૦૦૦ રહેતું હતું. જેથી ખર્ચ સામે નફાનું પ્રમાણ ઘટી જતું હતું. જે પછી તેમને સખીમેળાની જાણ થઈ અને પહેલીવાર રાજકોટ મેળામાં ભાગ લઈ ૧૮.૦૦૦, પોરબંદરમાં ૧૦.૦૦૦ અને મોરબીના સખીમેળામાં ૩૦.૦૦૦ જેટલો ચોખ્ખો નફો રળ્યો હતો.
હરેશ્વરીબહેન બારૈયા સહિત તેમના જૂથની બહેનો બેંગલ્સ, બ્રાઈડલ ચૂડલાં, મોતીવાળી કડલી, ડાયમંડ પાટલીઓ, વગેરે બનાવે છે. સખીમંડળ દ્વારા ૩૦.૦૦૦ થી ૫૦.૦૦૦ની વીવો દ્વારા લોન લઈ તેમણે કાચોમાલ પૂરો પાડવામાં આવ્યો હતો. હરેશ્વરીબહેન જણાવે છે કે, સરકાર દ્વારા અપાતી લોનથી તેમને ખૂબ જ ટેકો મળ્યો અને વેપારમાં પણ વૃદ્ધિ આવી હતી. પોતાનો સંઘર્ષ જણાવતાં હરેશ્વરીબહેન જણાવે છે કે, પહેલા હું થેલો લઈને રાજકોટની બજારમાં પગપાળા ચાલીને મારો માલ આપવા જતી પરંતુ મોટાભાગના દુકાનદારો મારો માલ ખરીદવાની ના પાડતાં હતાં. જે પછી મને પહેલા ત્રણ ઓર્ડર મળ્યા અને આજ દિન સુધી મેં પાછુ વાળીને નથી જોયું. હવે ઘણાં એવા દુકાનદારો છે જે અમારી પાસેથી જ માલ લેવાનો આગ્રહ રાખે છે. અમારી મહેનત અને સરકારના સાથથી ધીરે ધીરે ૨૦ બોક્સ..૫૦ બોક્સ..૧૦૦ બોક્સ…૧૫૦ બોક્સ એમ વેચાણ વધવા લાગ્યું.
વધુમાં હરેશ્વરી બહેને જણાવ્યું હતું કે, પહેલાં ૬ કલાક મહેનત કરતાં ત્યારે માંડ ૧૫૦ રૂપિયા મળતાં, હવે ૧ પીસ અમે ૧૫૦ રૂપિયાનો વેંચી નફો રળીએ છીએ. ઉપરાંત તેમણે મહિલા ઉદ્યમ સાહસિકોને પ્રેરણા આપવાના સરકારના પ્રયત્નો, વહીવટી તંત્રનો સાથ તેમજ સખીમેળાના આયોજન માટે સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો..

IMG-20220726-WA0273.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *