ગિરગઢડા
ભરત ગંગદેવ.
સોમનાથ શ્રીરામ ઓડિટોરિયમ હોલ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર@૨૦૪૭ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ઝુપડપટ્ટી વીજકરણ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ તકે પ્રાસંગીક ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ જણાવ્યું કે, આધુનિક સમયમા વીજળીએ લોકો માટે પાયાની જરૂરિયાત છે આપણે સૌ જાણીએ છીએ કે પહેલાના સમયમાં વીજળીની શું પરિસ્થિતિ હતી હાલ સરકારશ્રીના અર્થાગ પ્રયાસોથી વીજક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. બિનજરુરી વિજળીના વપરાશ ન કરી વીજળીની બચત કરવા તેઓશ્રીએ અનુરોધ કર્યો હતો. ઉપરાંત જિલ્લામાં વીજ વિભાગની સારી કામગીરી બદલ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે પુર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવાએ જણાવ્યુ હતુ કે, જ્યોતિગ્રામ યોજના હેઠળ પણ ૨૪ કલાક વીજળી પુરી પાડવામાં આવી રહી છે ગુજરાત આજે માંગ કરતા વધારે વિધુત ઉત્પાદન કરી રહ્યુ છે તોકતે વાવાઝોડામા પીજીવીસીએલએ કરેલી નોંધપાત્ર કામગીરીને બિરદાવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ માનસીગભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, જ્યોતિગ્રામ યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કરી હતી આજે જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી મળી રહી છે સારા કાર્યની પ્રસંશા કરવી જોયે વધુ જણાવતા કહ્યુ કે આજે ૨૪ કલાક વિજળી મળવાથી ગામડા ટુટતા બચી ગયા છે. તોકતે વાવાઝોડા યાદ કરતા કહ્યુ હતુ કે, તોકતે વાવાઝોડાના સમયે ઉર્જા મંત્રી શ્રી સૌરભ પટેલે પણ બે દિવસ ધોકડવા સબ સ્ટેશન પર રોકાણ કરી વીજપુરવઠો પુન:સ્થાપિત કરવા પીજીવીસીએલના કર્મચારીઓ સાથે ખડેપગે રહ્યા હતા.
કાર્યક્રમ પ્રસંગે નુકકડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નુક્કડ નાટકમા પરંપરાગત માધ્યમથી વીજળીના વિવિધ સ્વરૂપો જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જાના વિવિધ ઉપયોગો વિશે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉપયોગી સબસીડીની પણ લોકોને રસાળ સંવાદમાં માહિતી આપવામાં આવી હતી. વીડિયો ફિલ્મના માધ્યમથી સરકારના વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી અપાઈ હતી.
આ પ્રસંગે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરદાસભાઈ સોલંકી, પીજીવીસીએલના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

