નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દિવસની પ્રાંત અધિકારી સુશ્રી ભુમિ કેશવાલા અધ્યક્ષત્તામાં ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરના તાલુકા સેવા સદન ખાતે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને પોતાની નાની ઢીંગલીઓ માટે મોજા, ટોપી સાથેની ૬ જોડી કપડાની ઉપરાંત કોટન અને વુલનના નાના બ્લેન્કેટ સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી સુશ્રી ભુમિ કેશવાલાએ જણાવ્યું કે, આજના યુગમાં દિકરીઓ આર્થિક રીતે પગભર બને તે ખુબ આવશ્ય છે. આ માટે દિકરીઓ રમત-ગમત, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં આગળ વધે તે માટે રાજ્ય સરકારે અનેક નવી પહેલની સાથે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. આ સાથે તેમણે દિકરીઓને ભણાવવા અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે દિકરીઓને પ્રોત્સાહિત કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
આ તકે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી વારસુર, ઇન્ચાર્જ મામલતદાર તેજસ જોષી, તાલુકા વિકાસ અધિકારી, સીડીપીઓ અને તાલુકા હેલ્થ ઓફિસર સહિત મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને વ્હાલી યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
