રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અર્થે તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા. તેમજ કલેકટર શ્રી ડો. સૌરભ પારધી સાથે જિલ્લાના પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ બેઠકમાં જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, વીજળી, માર્ગ, આરોગ્ય સહિતની બાબતોમાં હકારાત્મક વલણ કેળવી આ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્વરે કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું અને મુશ્કેલ જણાતા પ્રશ્નો પરત્વે મંત્રીશ્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉમેર્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, બાંધકામ વિભાગ, સ્ટેટ હાઇવે અંગેની કામગીરીઓ, રાજ્ય સરકાર હસ્તકના કામો, પાણી પુરવઠા વિભાગ, મહાનગર પાલિકા સહિતના વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ કામો અંગેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરી તેને મદદરૂપ થવા માટે સૌની યોજના મારફતે ખાલી પડેલ ચેકડેમ અને તળાવો ભરવા અંગે તેમજ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે રીતે કામગીરી કરવા લગત અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, નિવાસી અધિક કલેકટર શ્રી બી.એન. ખેર , પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા સંકલન સમિતીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


