વલસાડ
સેલવાસના ડોકમરડી વિસ્તારમાં ખાનગી કંપનીના શ્રમિકોને ઘરે લઈ જતી લકઝરી બસ પલ્ટી ગઈ હતી. રસ્તો ખોદીને કરવામાં આવતી કામગીરીને લઈને બસ પલ્ટી હતી. જેમાં ૫થી વધુ કામદારોને ઈજા પહોંચી છે. આ અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને અગ્રણીઓને થતા તાત્કાલિક અકસ્માતમાં ઇજા પામેલા ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યાં હતા. સ્થાનિક લોકોએ ચેક કરતા બસમાં ૧૫ લોકો સવાર હતા. જેમાંથી ૫ કામદારોને વધુ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે સેલવાસની સિવિલ હોસ્પિટલમા લઈ જવામા આવ્યાં હતા. દાદરા નગર હવેલીના સેલવાસમાં મજૂરોને ભરીને લઈ જતી મીની બસ નંબર ડીએન-૦૯-એમ-૯૪૧૪ ડોકમરડી અક્ષર સ્કૂલ નજીક રસ્તાના સાઈડ પર કરેલા ખોદકામના કારણે પલ્ટી ગઈ હતી. જેમા સવાર ૧૫ કામદારો પૈકી ૫થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ૧૦૮ની ટીમ આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યાં હતા. ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓએ ગોકળ ગતિએ ચાલતા રસ્તાની કામગીરી જલ્દી પૂર્ણ કરવા પ્રસાશન સમક્ષ રજૂઆત કરશે તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું.


