Gujarat

વેરાવળ પોલીસે સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેલી મૂક-બધીર મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન

’ટ્રીન-ટ્રીન’… ફોન રણકતાં જ દોડતી થઈ વેરાવળ સીટી પોલીસ, ગણતરીના કલાકોમાં જ પરિવાર સાથે કરાવ્યો ભેટો
ભાઈને સામે જોતા જ મૂકબધીર બહેનની આંખોમાંથી વરસ્યા હર્ષાશ્રુ, એક પછી એક કડી થકી પોલીસે આ રીતે મેળવી પરિવારની ભાળ
 ગિરગઢડા
 ભરત ગંગદેવ..
 ’ટ્રીન…ટ્રીન’……વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં એક ફોન રણકે છે. કર્મચારી જેવો ફોન ઉઠાવે છે કે રિસિવરના સામે છેડેથી સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલીકા અંજનાબેન બારડ માહિતી આપે છે કે, ગત સાત દિવસથી તેમના સેન્ટરમાં અભ્યમ્ ૧૮૧ની ટીમ એક અજાણ્યા બહેરા-મૂંગા બહેનને મુકી ગયેલ છે અને આ મહિલાના પરિવારની કોઇ ભાળ મળતી નથી. વધુમાં તેઓ મહિલાના પરિવારને શોધવા મદદરૂપ થવા વિનંતી કરે છે.
બસ પછી શું? વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણીની સૂચનાથી આ અજાણી મુકબધિર મહીલા બાબતે તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં. તપાસમાં એક કડી સામે આવી કે આ મહિલાને અભયમ ૧૮૧ની ટીમ સૂત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના ફાટક પાસેથી લાવ્યા હતા. વધુમાં મુશ્કેલી એ પડી કે આ મહિલા બોલી કે સાંભળી શકતા નહોતાં. જેથી મહિલાના શરીર પર રહેલી નિશાની, મહિલાના ફોટા તથા મેસેજ જિલ્લા એ.ઓ.બી શાખામાં તથા તમામ વોટ્સેઅપ ગૃપ અને સોશ્યિલ મીડીયા દ્વારા શેર કરવામાં આવ્યા હતાં.
આ તમામ કવાયતની ફળશ્રુતિ સ્વરૂપે બીજી હકીકત સામે આવી કે આ મહિલા સુત્રાપાડા તાલુકાના બંદર વિસ્તારમાંથી ગુમ થયેલ છે. આ કડી પરથી પોલીસે ત્વરિત જ પોલીસે મહિલાના ભાઇ જીજ્ઞેશ રતિલાલ બારીયાનો ફોન નંબર શોધી સંપર્ક કર્યો હતો. પોલીસે કુટુંબીજનોને વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવતા મૂકબધીર મહિલા તેમના ભાઇને ઓળખી ગયા હતાં અને પરિવારને સામે જોઈ એમની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યાં હતાં. જીજ્ઞેશ રતિલાલ બારીયાએ વધુ માહિતી આપી હતી કે, મૂકબધિર નિર્મળાબહેન ગાંગડા ગામે સાસરે છે પરંતુ તેમનાં પતિ ફીશીંગના કામધંધા અર્થે બહાર હોવાથી તેમની સાથે રહેતા હતાં.
જે પછી વેરાવળ સીટી પો.સ્ટે. એએસઆઇ લક્ષ્મીબહેન મોરી, રાજેશભાઇ દાનાભાઇ આમહેડા તથા પો.કોન્સ. ભૂપતભાઇ નાથાભાઇ સોલંકી તથા તેમજ વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ શિતલબહેન, અંજનાબહેન અને કિંજલબહેને જરૂરી ખરાઈ પ્રક્રિયા કરી અને મૂકબધિર મહીલાને તેમના પરિવારને સોંપી આપી ‘પોલિસ પ્રજાનો મિત્ર’ વાક્ય સાર્થક કરી બતાવ્યું હતું.

IMG-20220829-WA0544.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *