કરાચી
પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ધમાકેદાર સદી ફટાકરીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપતા તેના સાથી મોહમ્મદ રિઝવાનની સાથે રેકોર્ડ બીજી ઈનિંગની ભાગીદારીની નોંધાવતા ગુરુવારે ઈંગ્લેન્ડ સામેની બીજી ટી૨૦માં દસ વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાને આ સાથે જ શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. બાબર આઝમે ૬૬ બોલમાં ૧૧૦ રનની અણનમ ઈનિંગ રમી હતી જ્યારે મોહમ્મદ રિઝવાને ૮૮ રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૯ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાને ત્રણ બોલ બાકી હતા ત્યારે વિના વિકેટે ૨૦૩ રન કરીને વિજય મેળવ્યો હતો. ગુરુવારે બન્ને ટીમો વચ્ચે સિરીઝની સાત ટી૨૦ પૈકીની ત્રીજી ટી૨૦ રમાશે. હાઈસ્કોરિંગ મેચમાં પાકિસ્તાનની ટીમે રન ચેઝમાં એકપણ વિકેટ ગુમાવ્યા વગર ૨૦૦ રનથી વધુનો જુમલો વટાવવાનો રેકોર્ડ કર્યો હતો. બાબર અને રિઝવાન વચ્ચે એકંદરે ટી૨૦માં પાંચમી શ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી રહી હતી. બાબર આઝમને અણનમ સદી ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અગાઉ બાબર આઝમે સાત ટી૨૦માં ફક્ત ૯૮ રન જ નોંધાવ્યા હતા જેમાં એશિયા કપની મેચમાં ફટકારેલા ૬૮ રનનો સમાવેશ થાય છે. રિઝવાનના બે કેચ પડતાં મૂકાતા જીવતદાન મળ્યા હતા. અગાઉ બાબર અને રિઝવાને ૨૦૨૧માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં પ્રથમ વિકેટ માટે રેકોર્ડ ૧૯૭ રનની ભાગીદારી નોંધાવી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ફિલ સોલ્ટના ૩૦ રન અને એલેક્સ હેલીસને ૨૬ રનની મદદથી ઈંગ્લેન્ડે પ્રથમ વિકેટ માટે ૪૨ રનની ભાગીદારી નોંધાવી હતી. મલાન ગોલ્ડન ડક સાથે પેવેલિયન પરત ફર્યો હતો. શાહનવાઝે દહાણીએ એક જ ઓવરમાં એલેક્સ અને મલાનની વિકેટ ઝડપી હતી. મિડલ ઓર્ડરમાં બકેટ (૪૩) અને બ્રુકે (૩૧) મહત્વની ભૂમિકા નિભાવી હતી. કેપ્ટન મોઈન અલિએ પાછળના ક્રમે બેટિંગમાં ઉતરવા છતાં ઝડપી અડધી સદી ફટકારી હતી. મોઈન ૨૩ બોલમાં ૫૫ રન કરી નોટ આઉટ રહ્યો હતો જેમાં ચાર ચોગ્ગા અને તેટલા જ છગ્ગાનો સમાવેશ થયો હતો. પાકિસ્તાન તરફથી શાહનવાઝ અને રઉફએ બે-બે વિકેટ મેળવી હતી તેમજ મોહમ્મદ નવાઝને એક સફળતા મળી હતી.


