છોટાઉદેપુર જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે છોટાઉદેપુર જિલ્લાના એંશી વર્ષ અને સો વર્ષથી વધુ વયના મતદારોને શુભેચ્છાપત્ર વિતરણ કર્યા હતા.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન અંગે લોકો જાગૃતિ આવે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તા. ૧લી, ઓકટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન નિમિત્તે ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના સો વર્ષ અને એંશી વર્ષથી વધુ વયના વયોવૃદ્ધ મતદાતાઓને શુભેચ્છા પત્ર પાઠવ્યા હતા.
દેશના મુખ્ય ચૂનાવ આયુકત રાજીવકુમાર દ્વારા દેશના સો વર્ષ અને એંશી વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓ કે જેઓ લાંબા સમયથી મતદાન પ્રક્રિયામાં તેમનું યોગદાન આપતા આવ્યા છે તેમના સુદીર્ઘ યોગદાનને બિરદાવવાના આશયથી આ શુભેચ્છાપત્ર પાઠવવામાં આવ્યા છે.
આ અંગે ટેલિફોનિક વાતચિત કરતા છોટાઉદેપુર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન નિમિત્તે દેશના મુખ્ય ચૂનાવ આયુકત રાજીવકુમારે ૧૦૦ વર્ષ અને એંશી વર્ષથી ઉપરના મતદાતાઓ કે જેઓ સુદીર્ઘ સમયથી ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે તેમને શુભેચ્છાપત્ર વિતરણ કરવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, રીટર્નિંગ ઓફિસર્સ, મામલતદારો, ડેપ્યુટી મામલતદારોના સહયોગથી વધુમાં વધુ સો વર્ષ ને એંશી ઉપરના મતદારોને શુભેચ્છાપત્ર વિતરણ કરવાની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે એમ જણાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે સો વર્ષ અને એંશી વર્ષ ઉપરના મતદારોના ઘર આંગણે જઇ ફુલ અને શુભેચ્છાપત્ર વિતરણ કર્યા હતા. તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

