છોટા ઉદયપુર
બોડેલીના વાલોઠી ખાતેથી ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. છોટા ઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે, છેલ્લા છ મહિનામાં જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડી ૧૦ કરતાં વધુ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે બોડેલીના વાલોઠી ખાતે ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહેલા શૈલેષ કેસા ચૌહાણ, મૂળ રહેણાંક ભિલકુવા મોટી ઇસરોલ, તા.મોડાસા, જી. અરવલ્લીના બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લા એલસીબીને મળેલી બાતમી આધારે તપાસ કરતાં અરવલ્લી જિલ્લાનો અને હાલ વાલોઠી ખાતે શૈલેષ કેસા ચૌહાણ ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ આ બોગસ ડોક્ટરને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બોગસ ડોક્ટર શૈલેષ કેસા ચૌહાણને ત્યાં એલ.સી.બી.એ રેડ કરી તેની પાસેથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન તથા અન્ય સાધનો મળી કુલ રૂ. ૮૬૬૬.૮૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ૬ મહિનાથી બોગસ ડોકટરો ઝડપાઈ રહ્યા છે, તેઓને પોલીસ શોધી કાઢે છે. પરંતુ લોકોના આરોગ્યની ચિંતા કરતાં આરોગ્ય તંત્ર પાસે આવા બોગસ ડોકટરોની કોઈ માહિતી નથી અને આવા બોગસ ડોકટરો બેરોકટોક રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેમછતાં આરોગ્ય વિભાગ નિષ્ક્રિય જણાઈ રહ્યું છે.

