Gujarat

આમોદની રેવા સુગરના મેદાનમાં 10મીએ PMની જનસભા યોજાશે

જંબુસરમાં આકાર લેનારા દેશના પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક સહિત અનેક પ્રકલ્પોના ભુમિપુજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ ભરૂચ આવી રહયાં છે ત્યારે આમોદની રેવા સુગર ફેકટરીના મેદાનમાં તેઓ જંગી જાહેરસભાને સંબોધિત કરશે. પીએમની સભામાં લાખોની જનમેદની આવવાની હોવાથી વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
તા.10 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે દેશના પ્રથમ બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીઝ પાર્કનું ભુમિપુજન કરશે. આ ઉપરાંત જંબુસર તથા આમોદ ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથાખાતમુહૂર્ત કાર્યક્રમો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષી કલેક્ટર તુષાર સુમેરાની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાનના કાર્યક્રમના આયોજન સંદર્ભમાં GMDCના મેનેજીંગ ડીરેકટર એમ. થેન્નારેશન, કલેક્ટર તૂષાર સુમેરા, એસપી ડો. લિના પાટીલ સહિતના અધિકારીઓએ આમોદ પાસે આવેલા રેવા સુગર ફેકટરીના મેદાનની મુલાકાત લીધી હતી. જંબુસરથી 12 કીમીના અંતરે આવેલા આમોદ રેવા ખાંડ ઉદ્યોગ ખાતેના વિશાળ મેદાનમાં તેમજ આસપાસના વિસ્તારમાં લોકોને બેસવાં, પાણી, સેનિટેશન અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવાં માટે વિશાળ જગ્યામાં ડોમ બાંધવામાં આવી રહ્યો છે. વિવિધ વિભાગના અધિકારીઓને વિવિધ વ્યવસ્થાઓની જવાબદારી સોંપવામાં આવી છે અને આ અધિકારીઓ સતત તેમની કામગીરીનું નિરીક્ષણ-મોનિટરીંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *