રસ્તા પર પાણી ફરી વળ્યા, મગફળી-સોયાબીનના પાથરા પલળતા ખેડૂતોને નુકસાન
આજે શરદ પૂનમ છે અને બીજી તરફ મેઘરાજાના પણ મંડાણ મંડાયા છે. જેતપુર તેમજ તાલુકામાં આજે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં યાત્રાધામ વીરપુર,સરધારપૂર,મેવાસા સહિત બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં અચાનક વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. હાલ મગફળી અને સોયાબીનનો પાક તૈયાર થવા પર હોય મોટાભાગના ખેડૂતોએ બન્ને પાક ઉપાડી લીધો છે. પરંતુ ધોધમાર વરસાદથી મગફળી અને સોયાબીનના પાથરા પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
આજે બપોર બાદ જેતપુર તેમજ આસપાસના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા કપાસ અને શાકભાજીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. કપાસનો પાક ભારે પવનને કારણે આડો પડી જતા મોટી નુકસાની સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે. જો કે બીજી તરફ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આજે શરદ પૂનમના દિવસે ઘણી જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ધોધમાર વરસાદથી આયોજકો ચિંતામાં મૂકાયા છે.


