છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના કોલંબા ગામના રહેવાસી એવા નરપતસિંહ નાથુસિંહ સોલંકીના માથે ૨૦૧૫ની સાલમાં આભ તૂટી પડ્યું. તેઓ ખેતી કરે અને પોતાનો ૨૨ વર્ષનો પુત્ર અજયસિંહ પણ આ કામમાં તેમની સાથે જોડાયેલો. ૨૦૧૫માં અજયસિંહનું ખેતી કામ કરતી વખતે ટ્રેક્ટર ચલાવતા અકસ્માત થતા મૃત્યુ થયું. આ સમયે તેમનો ૩વર્ષનો એક પુત્ર નક્ષરાજ અને માત્ર છ મહિનાનો જ બીજો પુત્ર હેતરાજની જવાબદારી આ બાળકોના દાદા નરપતસિંહના શિરે આવી પડી. એટલું જ નહિ તેમની ૨૧ વર્ષની પુત્રવધુ આટલી નાની ઉમરમાં વિધવા થતા તેમની ઉપાધિનો પાર ન રહ્યો. આવા સમયે નરપતસિંહનું હૈયું ભારે થઈ પડ્યું. આ ભારે હૈયે તેમણે તેમના પુત્રવધુને તેમના માતા પિતાની સંમતિથી પુનઃલગ્ન કરવા પરવાનગી આપી દીધી જેથી તેમનું ભવિષ્ય સુખેથી પસાર કરી શકે. નરપતભાઈએ પોતાના પુત્રના આ બે નાના બાળકોની જવાબદારી સમ્પૂર્ણ રીતે પોતાને શિરે લઈ લીધી. પરંતુ પોતાની વધતી ઉંમર અને સામાન્ય ખેતીમાં તેઓ આ બંને બાળકોને કેવી રીતે મોટા કરશે તે ચિંતા તેમને કોરી ખાતી હતી. એવામાં તેમને પાલક-માતા પિતાની યોજ્નાની જાણ થઈ. તેઓ ૨૦૧૭ માં ગરીબ કલ્યાણ મેળો જોવા ગયેલા અને ત્યાંથી તેમને આ યોજનાની માહિતી મળી હતી. ત્યાર બાદ તેમણે સમાજ સુરક્ષા ખાતાનો સંપર્ક કરી આ યોજના માટે પ્રથમ બાળક નક્ષરાજની અરજી કરી અને તેમના દર મહીને રૂપિયા ૩૦૦૦ પાલક માતા-પિતા તરીકે તેમના ખાતામાં આવવા લાગ્યા. જયારે બીજો બાળક હેમરાજનું પણ આ યોજના માટે ફોર્મ ભરતા આ બાળકને પણ ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ના છોટાઉદેપુરના ગરીબ કલ્યાણ મેળામાં પાલક માતા પિતા યોજના મંજુર થયાનો મંજુરી પત્ર આર્પણ કરવામાં આવ્યો. હવે નરપતસિંહભાઇમાં હિંમત આવી અને જાણે પુત્રનું મૃત્યુ થતા ભગવાને તેમને ફૂલ જેવા બે-બે બાળકો આપી અને તેમના ડાબો જમણો બંને હાથ મજબુત કરી દીધા. આ પૈસાનો પોતે આ બાળકોના ભવિષ્ય માટે બચત કરે છે અને કહે છે કે પોતે આ બાળકોના ભણતર માટે આ નાણાનો સદુપયોગ કરવા માંગે છે. તેમના પુત્રના આવસાન પછી ભાંગી પડેલા નરપતભાઈના ચહેરા પર આજે ફરી વખત નુર દેખાવા લાગ્યું છે તેઓ ઉમેરે છે કે સરકારની આવી યોજનાને લીધે આજ પોતાનું જીવતર તરી ગયું છે તેઓ આ માટે આ યોજના ના નિમિત બનનાર સૌ કોઈનો આભાર માને છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


