Gujarat

બોડેલીના કોસીન્દ્રાથી ચિખોદ્રા ગામ વચ્ચે  હેરણ નદી પર બનેલ નવનિર્મિત પુલનું લોકાર્પણ કરાયુ 

પ્રજાને તમામ પ્રકારની સુખસુવિધાઓ મળી રહે એ માટે પરિણામલક્ષી નકકર કામગીરી આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે એમ રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું.
બોડેલી તાલુકાના કોસીન્દ્રાથી ચિખોદ્રા ગામ વચ્ચે હેરણ નદી પર રૂા. ૮.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં ભારે વરસાદને કારણે આવેલા પુરમાં કોસીન્દ્રાથી ચિખોદ્રા વચ્ચે આવેલો લો લેવલ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો. રાજય સરકારે તત્કાલ પુલ બનાવવાની મંજુરી આપતા આજે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનવાથી આજુબાજુના ચાલીસ ગામોને અવર જવરમાં સરળતા થઇ રહેશે એમ જણાવ્યું હતું.
મંત્રીએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાના વિકાસ માટે વણમાંગી વિકાસની વણઝાર આપી રહી છે એમ કહી તેમણે રસ્તા અને પુલો વિકાસ માટે ખૂબ જરૂરી જેનાથી રોજગારીની તકો પણ ઉપલબ્ધ થાય છે એમ જણાવી તેમણે ગામડાના લોકો હોય કે શહેરના લોકો હોય સરકાર તમામને અદ્યતન સુવિધા ઉપલબ્ધ થાય એ માટે પ્રતિબદ્ધ છે એમ વધુમાં ઉમેર્યું હતું.
રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અમલી વનબંધુ કલ્યાણ યોજના અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વનબંધુ કલ્યાણ યોજનાના ફેઝ-૨માં વર્ષ ૨૦૨૫ સુધીમાં સરકાર દ્વારા રૂપિયા એક લાખ કરોડ આદિવાસીના વિકાસ માટે વાપરવામાં આવશે એમ જણાવી તેમણે સરકારની વિવિધ કલ્યાણ લક્ષી યોજનાઓની માહિતી આપી ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે એમ વધુમાં ઉમેરી તેમણે મોતિબિંદુ અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રાજય સરકાર દ્વારા રૂપિયા સાંઇઠથી સિત્તેર હજારના ખર્ચે નેત્રમણિ બેસાડી કરવામાં આવતા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.
સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રસ્તા, પાણી, સ્વાસથ્ય અને આવાસ જેવી પાયાની સુવિધા દરેકને મળી રહે એ માટે ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે એમ કહી તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલા રાજયના સર્વાંગી વિકાસને કારણે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર લોકોના સુખ દુ:ખમાં ભાગીદાર છે, રાજયમાં વસતા અદના નાગરિકને પણ કોઇ તકલીફ ન પડે એ માટે સરકાર દ્વારા દરકાર લેવામાં આવે છે. કોસીન્દ્રાથી ચિખોદ્રા વચ્ચે હેરણ નદી બનાવવામાં આવેલા આ પુલથી ૪૦ ગામના લોકોને ફાયદો થશે એમ જણાવી તેમણે તેમના મત વિસ્તારમાં આગામી સમયમાં સાકાર થનારા કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ અંગે વિગતે જાણકારી નસવાડી તાલુકામાં સો કરોડના વિકાસકામોને મંજુરી મળી હોવાનું જણાવી તેમણે છેલ્લા પાંચ વર્ષમાં સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં પાંચસો કરોડના કામો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અમરસિંહભાઇ રાઠવાએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યું હતું. આભારવિધિ અલકાબેન પરમારે આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મલકાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઇ રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશભાઇ વાંસદિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઇ વસાવા, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221016-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *