Gujarat

ગાંધીનગરમાં રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરનારને ધમકીઓ મળતી હોવાની રજૂઆત

ગાંધીનગર
રાજયના પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે રેતીની ઓવરલોડેડ ટ્રકોને આસાનીથી એક જિલ્લામાંથી બીજા જિલ્લાનાં નિયત સ્થળોએ વિના રોકટોક પહોંચતી કરવા “કાઠિયાવાડી કોયલ” કોડવર્ડથી ચાલતાં ભ્રષ્ટાચારનાં નેટવર્ક પ્રકરણમાં કથિત રીતે સંડોવાયેલ રોયલ્ટી ઇન્સ્પેકટર અને ડ્રાઇવરને ખાણ ખનિજ તંત્ર ધ્વારા માત્ર શોકોઝ નોટિસ આપીને સંતોષ માની લેવાયો છે. ત્યારે વિભાગની આબરૂ શાખ પર લાગી હોવાથી હવે લીઝનાં વેપારીઓને સબ સલામત હોવાના નિવેદન લખાવવા માટે મળતિયાઓ ધ્વારા દબાણ કરી સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલી દેવાનાં પ્રયાસો શરૂ કરી ગર્ભિત ધમકીઓ આપવામાં આવતી હોવાનો ભૂમાફિયા યોમેશ ગજ્જર ધ્વારા આક્ષેપ કરી કલોલ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. ગાંધીનગરનાં કલોલથી “કાઠિયાવાડી કોયલ” થકી પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર સુધી આયોજનપૂર્વક ચાલતાં ગેરકાયદેસર રેત વહનનાં નેટવર્ક પાછળ કથિત રીતે કરાર આધારિત ફરજ બજાવતા રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા અને ડ્રાઇવર જયેશ ત્રિવેદી સંડોવાયેલ હોવાનો આક્ષેપ ભૂમાફિયા યોમેશ ગજ્જર દ્વારા કરવામાં આવતાં ખાણ ખનિજ તંત્રની આબરૂના લીરેલીરા ઉડી ગયા છે. આ મામલે ડ્રાઇવર જયેશ ત્રિવેદી અને ભૂમાફિયા વચ્ચે વાતચીતનો કથિત ઓડિયો પણ બહાર આવી ગયો છે. જે મામલે ખાણ ખનિજ તંત્ર ધ્વારા રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા અને ડ્રાઇવર ત્રિવેદીને નોટિસ પણ આપી દેવાઈ છે. જાે કે જ્યારથી આખું નેટવર્ક બહાર આવ્યું છે ત્યારથી રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા અને ડ્રાઈવર જયેશ ત્રિવેદી દ્વારા મળતિયાઓ થકી ગર્ભિત ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરી યોમેશ ગજ્જરે કલોલ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. માટીના ધંધામાં રોયલ્ટી ઇન્સ્પેકટર કૌશલ પંડ્યા દ્વારા અત્યાર સુધીમાં ટુકડે ટુકડે રૂ. ૩ લાખ પડાવી લેવામાં આવ્યા છે. પરંતુ હવે વધુ રૂપિયા આપવાની ના પાડતાં એનકેન પ્રકારે હેરાન કરીને હું ધંધો બંધ કરી દઉં તેવી સ્થિતિનું નિર્માણ કરાયું છે. જેનાં પગલે નાછૂટકે કાઠિયાવાડી કોયલ કોડવર્ડથી ચાલતાં રેતીના કૌભાંડને ઉજાગર કર્યું છે. જેની પાછળ રોયલ્ટી ઇન્સ્પેકટર કૌશલ પંડ્યાનો વહીવટદાર પરેશ કલકાણીની (કાઠિયાવાડી કોયલ) પણ કથિત રીતે મહત્ત્વની ભૂમિકા રહી છે. કથિત રીતે સંડોવાયેલા લોકો દ્વારા મળતિયાઓ દ્વારા ગર્ભિત ધમકીઓ આપવામાં આવી રહી છે. ગમે ત્યારે જીવલેણ હુમલો થવાની દહેશત હોવાથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આ આખા નેટવર્કમાં ડ્રાઈવર જયેશ ત્રિવેદી દ્વારા લાંચ પેટે પૈસાની માંગ કરીને દસના બંડલની વ્યવસ્થા કરવા કહેવાયું હતું. જે લાંચ આપ્યાના પુરાવા પણ મારી પાસે છે. સમગ્ર વાતચીતનો ઓડિયો હોવા છતાં ખાણ ખનિજ દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાયો છે. જેનાં પરથી લાગી રહ્યું છે કે આખા કૌભાંડને દબાવી દેવાની હિલચાલ શરૂ થઈ છે. કેમકે લીઝ સાથે સંકળાયેલા વેપારીઓને રોયલ્ટી ઇન્સ્પેકટર કૌશલ પંડ્યા અને ડ્રાઇવર જયેશ ત્રિવેદીની તરફેણમાં નિવેદન લખાવવા માટે દબાણ કરાઈ રહ્યું છે. જાે આ બંનેની સંપતિની પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર થયાના પુરાવા મળી શકે એમ છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *