ભરૂચ
ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના ૯ વાગ્યે જલારામ બાપાની પાદુકા પૂજનનો અને સવારના ૧૦ઃ૩૦ વાગ્યે જલારામ બાપાની મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને જલારામ બાપાના પૂજન, આરતી અને દર્શનનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. “દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનાર વીરપુરના જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિની ધામ-ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોઈ પણ ધર્મની આગવી ઓળખ તેમના ભગવાન અથવા તો તેમના સાધુ-સંતો હોય છે. સાધુ સંતો દ્વારા તેમના ધર્મની રક્ષા થતી હોય છે અને ભગવાનની પૂજા પણ તેમના દ્વારા જ કરવામાં આવે છે. ભારત દેશમાં આવા ઘણા બધા સંતો થઈ ગયા કે, જેમણે પોતાનું જીવન ધર્મને સમર્પિત કરી દીધું હોય જેમણે મોહમાયાનો ત્યાગ કરી દીધો હોય, તેમાંના એક સંત હતા આપણા ’જલારામ બાપા ’ જલારામ બાપાનો મંત્ર હતો, “દેને કો ટૂકડો ભલો, લેને કો હરિનામ”. સમસ્ત જીવનમાં તેમણે ભૂખ્યાને ભોજન આપીને લોકોની આંતરડી ઠારવાનું કામ કર્યું હતું. તેમની આ પરંપરાને આજે વીરપુરમાં જાળવી રખાઈ છે. વીરપુર જલારામ મંદિરમાં આવતા તમામ ભક્તોને પ્રેમથી જમાડવાનું સદાવ્રત, સદાકાળ ચાલ્યું આવે છે. આજના સમયમાં લોકો કોઈને એક ટંકનું પણ જમવાનું આપવા તૈયાર નથી. જ્યારે ત્યારના સમયમાં જલારામ બાપા લોકોને ભરપેટ સારું ભોજન જમાડતાં હતા. તેમની નિયત સાફ હતી અને દિલ પ્રેમાળ હતું. તેઓ લોકોને હંમેશા સત્યનો સંદેશો આપતા હતા.


