Gujarat

બ્રિજના નિર્માણ થકી 15થી વધુ ગામડાઓના હજારો લોકોને અવરજવરમાં અનુકૂળતા રહેશે :મંત્રીશ્રી

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના મોખાણા અને સુમરી ગામે મેજરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોખાણા ગામે નાગમતી નદી પર રૂ.4 કરોડના ખર્ચે 12 મીટરના 11 ગાળાનો મેજરબ્રિજ બનાવવામાં આવશે જેની લંબાઈ 132 મીટર થશે. તેમજ મોટી ભલસાણ સુમરી રોડ પર રૂ.3 કરોડ 63 લાખથી વધુના ખર્ચે 12 મીટરના 10 ગાળાનો મેજરબ્રિજ નિર્માણ પામશે.

ખાતમુહૂર્ત પ્રસંગે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોખાણા, હર્ષદપૂર, નાઘુના, મોટી ભલસાણ, સુમરી, વાગડિયા તેમજ આજુબાજુના 15 ગામોને જિલ્લા મથક સાથે જોડતો ખૂબજ અગત્યનો રસ્તો છે. મોખાણા ગામ પાસે આવેલ નાગમતી નદી પરના હયાત બેઠા કોઝવેની જગ્યાએ મેજરબ્રિજનું નિર્માણ થતાં હજારો લોકોને લાભ મળશે. સુમરી ભલસાણ રોડ પર બ્રિજનું નિર્માણ થવાથી લોકોને ચોમાસાના સમય દરમિયાન અવરજવર કરવામાં અનુકૂળતા રહેશે. જામનગર જિલ્લાના ગામડાઓ શહેરથી જોડાય અને ખેડૂતો તેમજ ગામડાના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે લક્ષ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કામગીરી કરી રહી છે. જેના પરિણામે છેવડાના ગામડાઓ સુધી વિકાસના ફળ પહોંચ્યા છે. અને લોકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. આ તકે મંત્રીશ્રી દ્વારા ગ્રામજનોને અભિનંદન પાઠવવામા આવ્યા હતા. તેમજ લોકોએએ મંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. 

આ કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેરશ્રી કટારમલ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કેશુભાઈ, સરપંચશ્રી રામભાઇ છૈયા, શ્રી અનિલભાઈ જાટીયા, શ્રી મુકેશભાઈ, શ્રી બકુલસિંહ જાડેજા, શ્રી ભોલાભાઈ વસરા, શ્રી નરસીભાઇ, આગેવાનશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *