ન્યુદિલ્હી,
કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે હાલ રાષ્ટ્રીય સ્તરે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સને લાગુ કરવાનું આયોજન નથી. જાેકે નાગરિક્તા સુધારા કાયદાનો અમલ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં કરી દેવાયો હતો અને જે લોકો આ કાયદા અંતર્ગત લાયકાત ધરાવતા હોય તેઓ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી શકે છે.લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતીય નાગરિક્તા છોડી હતી. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પ્રાપ્ત આંકડા અનુસાર આશરે ૧.૩૩ કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. જે રીતે પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી હતી તેવી જ રીતે પાંચ વર્ષમાં ૧૦ હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી પણ કરી હતી. જે ૧૦૬૪૫ લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી હતી તેમાંથી ૪૧૭૭ લોકોની નાગરિક્તા માટેની માગણીને માન્ય રાખવામાં આવી છે અને તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે. જે ૧૦૬૪૫ લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી હતી તેમાંથી ૨૨૭ અમેરિકા, ૭૭૮૨ પાકિસ્તાન, ૭૯૫ અફઘાનિસ્તાન અને ૧૮૪ બાંગ્લાદેશથી છે. જે ચાર હજારથી વધુ લોકોને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે તેમાંથી ૧૧૦૬ને ૨૦૧૬મા, ૮૧૭ને ૨૦૧૭માં, ૬૨૮ને ૨૦૧૮માં, ૯૮૭ને ૨૦૧૯માં, ૬૩૯ને ૨૦૨૦માં નાગરિક્તા આપવામાં આવી હતી. સરકારે સાથે એમ પણ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ નાગરિક્તા જતી કરી છે. જેમાં ૧,૩૩,૦૪૯ લોકોએ ૨૦૧૭માં, ૧૩૪૫૬૧એ ૨૦૧૮માં, ૧૪૪૦૧૭એ ૨૦૧૯માં, ૮૫૨૪૮એ ૨૦૨૦માં અને સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ૧૧૧૨૮૭ લોકોએ ભારતીય નાગરિક્તા જતી કરી હતી.


