જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ કામો માટે રૂા.125.87 કરોડના અંદાજીત ખર્ચના કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં સ્ટે.કમિટીના ચેરમેન સહિતના તમામ 10 સભ્યો હાજર રહ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટીના ચેરમેન ધીરેનકુમાર પી.મોનાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં 15માં નાણાપંચની ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટ અન્વયે કમિશ્નર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તને પગલે રૂા. 122.79 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
આ ઉપરાંત મનપાના મુખ્ય બિલ્ડીંગ ખાતે નવું વાયરીંગ તથા પેનલ અપગ્રેડેશન કરવા માટે રૂા.86.89 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. શહેરના જુદા-જુદા ઝોનમાં હૈયાત અને કાર્યરત ભુગર્ભ ગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવા માટે વોર્ડ નં. 9, 10, 11 અને 12 માટે રૂા. 79.18 લાખ તેમજ વોર્ડ નં. 13, 14, 15 અને 16 માટે રૂા. 81.42 લાખ, વોર્ડ નં. 6, 7 અને 8 માટે રૂા. 61.36 લાખ મંજુર કરાયા છે.
સોલીડ વેસ્ટ શાખાના કાયમી સફાઈ કામદાર જીતેશભાઈ ભુરાભાઈને કેન્સરની બીમારી સબબ રૂા. 75 હજાર સુધીની સહાય ચુકવવા, તેમજ મનપાની જુદી-જુદી શાખાઓમાં ટેકનીકલ અને વહિવટી કામગીરી માટે કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને 7 માસ માટે નવી નિમણુંક આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.

