જામનગર
જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા માટે હાલમાં ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ ધારાસભ્ય વિક્રમ માડમને પસંદગીની જવાબદારી સોંપી છે. ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમ કોના નામની પસંદગી કરે છે ટૂંક સમયમાં જ ખબર પડશે તેવી માહિતી ચોક્કસ આધારભૂત સૂત્રોમાંથી મળી રહી છે.જેમાં જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની નિમણૂંક બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જે ચર્ચામાં ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતાની પસંદગીની જવાબદારી પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના શિરે મૂકી છે. રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ બેઠક યોજી હતી. જેમાં આગામી સમયની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની નિમણૂંક બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમને ટૂંક સમયમાં જ વિપક્ષ નેતા પદની પસંદગીનું નામ પ્રદેશમાં મોકલી આપવા જણાવ્યું હતું. નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા માટે બે નામ ચર્ચાઈ રહ્યા છે. જેમાં એક સિનિયર કોર્પોરેટર આનંદ રાઠોડ અને યુવા કોર્પોરેટર ધવલ નંદાનાં નામ ચર્ચામાં છે. જ્યારે મહાનગરપાલિકાનું વિપક્ષી નેતા પદ મહિલાને આપવામાં આવે તો તેમાં કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને કોર્પોરેટર જેનમ ખફીનું નામ ચર્ચામાં છે. જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસમાં વારંવાર જૂથબંધી સામે આવી છે. ત્યારે થોડા જ સમય પહેલા જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભ્યની ચૂંટણીમાં પણ જૂથબંધી સામે આવી હતી. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પદ માટે બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ માંડ ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. જાે કે ફરીવાર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પસંદગી ટૂંક સમયમાં થવાની છે, ત્યારે વિવાદ વગર વિપક્ષના નેતા પદની પસંદગી થઇ શકે છે કે નહીં તે જાેવા સૌ કોઈ ઉત્સુક છે. કોંગ્રેસ જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા માટે જ્ઞાતિ સમીકરણ જાેશે, તો થોડા સમય પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આનંદ ગોહિલને શિક્ષણ સમિતિના સભ્ય બનાવ્યા હતા. એટલે વિપક્ષ નેતા પદ માટે આનંદ રાઠોડનું નામ બાદ થઇ શકે એમ છે. તેમજ બીજી તરફ કોર્પોરેટર ધવલ નંદાનો વિપક્ષી નેતા બનવા માટેનો રસ્તો ખુલી જાય છે. જેથી કોંગ્રેસના બધી જ્ઞાતિઓને બેલેન્સ કરીને ચાલી શકે તેવા પણ સંજાેગો જાેવા મળશે.
