પાટડી
રણકાંઠાના ખેડૂતો ઘૂડખર, નિલગાય અને ભૂંડ સહિતના જંગલી પ્રાણીઓના ત્રાસથી બચવા રાત્રીના ઉજાગરા કરવાની સાથે ખેતરમાં કાંટાળી વાડ કે ઝાટકા મશીન લગાવવા સહિતના વિવિધ પ્રયોગો હાથ ધરે છે. જ્યારે રણકાંઠાના કેટલાક ખેડૂતોએ એક આગવો નુસખો અપનાવી આ જંગલી પ્રાણીઓથી પોતાના પાકને બચાવવા ખેતરના ફરતે સાડીઓની વાડ કરે છે. આ અંગે વધુ માહિતી આપતા ખારાઘોઢાના ખેડૂત આગેવાન કનુભાઇ પટેલ અને સુરજપુરાના શૈલેષભાઇ પટેલ જણાવે છે કે ખેતરના ફરતે રંગબેરંગી સાડીઓની વાડ કરી જંગલી પ્રાણીઓના ત્રાસથી બચવામાં મહદઅંશે સફળતા મેળવે છે. કારણ જે ઘૂડખર, નિલગાય અને જંગલી ભુંડના ઝુંડ રંગબેરંગી સાડીઓના કારણે ખેતરમાં આવવાનું ટાળે છે.રણકાંઠાના ખેડૂતો ઘૂડખર અને નિલગાયના ઝુંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આથી જંગલી પ્રાણીઓના ત્રાસથી બચવા રણકાંઠાના ખેડૂતો ખેતરના ફરતે સાડીઓની વાડ કરી રક્ષણ મેળવે છે. રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જાેવા મળતા ઘૂડખર પ્રવાસીઓ અને વિદેશી પર્યટકો માટે તો આકર્ષણનું કેન્દ્ર બને છે. પણ આ ઘૂડખર અને નિલગાયના ઝૂંડ ખેડૂતોની રાત-દિવસની અથાગ મહેનત બાદ તૈયાર થયેલા ઊભા મોલને પળવારમાં ખેદાન-મેદાન કરી નાખતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે.
