નવીદિલ્હી
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજે શનિવારે એક પરિપત્ર જારી કરીને વિદ્યાર્થીઓને વેલેન્ટાઈન ડે સેલિબ્રેશનમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી છે. આ સિવાય વિદ્યાર્થીઓને વેલેન્ટાઈન ડેને લગતી આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિઓ યુવાનોને ખોટા રસ્તે લઈ જાય છે. તેમાં એમ પણ જણાવ્યું છે કે તમામ વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીના ડ્રેસ કોડ મુજબ સારી રીતે માથું, ગરદન અને છાતી સાથે ઢંકાય એવો હિજાબ પહેરવો આવશ્યક છે. તમામ વિદ્યાર્થીઓને નમાઝ વાળી સફેદ ટોપી પહેરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્રમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે કોલેજ સ્ટાફના સભ્યો કેમ્પસમાં પેટ્રોલિંગ કરશે. કોલેજના પરિપત્રને ટાંકીને સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડ કરવામાં આવશે. કૉલેજની સ્થાપના ૧૯૯૬ માં કરવામાં આવી હતી, અને તે રિફા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે જાેડાયેલી મેડિકલ સ્કૂલ છે. વેલેન્ટાઈન ડે દર વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.વિશ્વના લગભગ તમામ દેશોમાં તબીબી અભ્યાસને આધુનિક કોર્સ તરીકે ગણવામાં આવે છે. આવું શિક્ષણ આપતી સંસ્થાઓમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે કોઈ ભેદ પણ રાખવામાં આવતો નથી. જાેકે, પાકિસ્તાન હજુ પણ આ બાબતોમાં અપવાદ છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની એક મેડિકલ કોલેજે વેલેન્ટાઈન ડે પર તેના વિદ્યાર્થીઓ માટે વિચિત્ર માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં વેલેન્ટાઈન ડે પર છોકરીઓ હિજાબ પહેરે છે અને છોકરાઓ નમાજવાળી સફેદ કેપ પહેરીને મેડિકલ કોલેજ આવે છે. એટલું જ નહીં, છોકરાઓને પણ આ દિવસે છોકરીઓથી ઓછામાં ઓછું ૨૦૦ મીટરનું અંતર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
