નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીનો ૪૨મો સ્થાપના દિવસ છે. તે વર્ષ ૧૯૮૦ની વાત છે, જ્યારે જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૭૭માં ૨૯૫ બેઠક જીતનારી પાર્ટી ત્રણ વર્ષ બાદ ઘટીને ૩૧ બેઠકો પર આવી ગઈ. આ નિષ્ફળતા માટે જનસંઘ સાથે જાેડાયેલા પક્ષના લોકો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૪ એપ્રિલે દિલ્હીમાં જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. જેમાં પૂર્વ જનસંઘના સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવાનો ર્નિણય લેવાયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આમાં અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા નામ સામેલ હતા. પછી એ જ થયું, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. બરાબર બે દિવસ પછી ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં એક નવા રાજકીય પક્ષની જાહેરાત કરવામાં આવી, જેનું નામ ભારતીય જનતા પાર્ટી હતું. આજે આ ઐતિહાસિક દિવસે ૪૨ વર્ષ પૂર્ણ થયા છે. માહિતી અનુસાર ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં ૯૦૦ ટકા, મતદારોની સંખ્યામાં ૧૦૦૦ ટકા અને સાંસદોની સંખ્યામાં ૧૫,૦૦૦ ટકાનો વધારો થયો છે. આજે આપણે વાત કરીએ ભાજપની વિકાસગાથા વિશે. પહેલી સામાન્ય ચૂંટણીમાં માત્ર ૨ સીટ જીતીને શરૂ થયેલી આ સફર આખરે ૨૦૧૯માં ૩૦૩ સીટો સુધી કેવી રીતે પહોંચી, એવા ક્યા ર્નિણયો હતા જેના આધારે ભાજપ ના માત્ર ચૂંટણી મશીન બની, પરંતુ વિપક્ષ કોંગ્રેસ પણ સંકોચાતી રહી. ૧૯૮૦- સામાન્ય ચૂંટણીમાં ૩૧ બેઠક જીત્યા પછી સત્તાધારી જનતા પાર્ટીએ ર્નિણય લીધો કે પક્ષના સભ્યોની બેવડી સભ્યપદ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આનો સ્પષ્ટ અર્થ એ હતો કે જે પણ પક્ષનો સભ્ય છે તે આરએસએસમાં રહી શકે નહીં. તેના જવાબમાં જનસંઘના તમામ સભ્યોએ ૬ એપ્રિલ, ૧૯૮૦ના રોજ ભારતીય જનતા પાર્ટીના નામથી એક નવો પક્ષ બનાવ્યો, જેમાં અટલ બિહારી વાજપેયી તેના સ્થાપક સભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૮૪- ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં સહાનુભૂતિની લહેર હતી. જેણે અન્ય પક્ષોની બેઠકો ઘટાડવાનું કામ કર્યું હતું અને તેના કારણે ભાજપ પણ માત્ર ૨ સીટો જીતી શકી હતી. ૧૯૮૬- લાલકૃષ્ણ અડવાણીએ ભાજપની કમાન સંભાળી અને ૧૯૯૦ સુધી તેના અધ્યક્ષ રહ્યા. ૧૯૮૬થી ૧૯૮૯- બોફોર્સ કૌભાંડમાં ભાજપે રાજીવ ગાંધી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને એક મોટું અભિયાન ચલાવ્યું. ૧૯૮૯- પાર્ટીની મહેનતની અસર દેખાવા લાગી. સામાન્ય ચૂંટણી યોજાઈ અને ભાજપે ૮૫ બેઠક જીતી. ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીએ કેન્દ્રમાં વીપી સિંહની સરકાર બનાવી. આ સાથે જ પાર્ટીએ રામ મંદિર માટે આંદોલન શરૂ કર્યું. ૧૯૯૦- ભાજપના તત્કાલિન પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ ૧૨ સપ્ટેમ્બરથી રામ રથયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા સોમનાથથી શરૂ થઈ હતી. ત્યારબાદ અડવાણીની ૨૩ ઓક્ટોબરે બિહારના સમસ્તીપુરમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ૩૦ ઓક્ટોબર સુધી હજારો કાર સેવકો અયોધ્યા આવ્યા હતા. જ્યાં પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો. આનો વિરોધ કરતાં ભાજપે વીપી સિંહની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. ૧૯૯૧- ભાજપની બેઠકોની સંખ્યામાં વધારો થયો અને તેણે સામાન્ય ચૂંટણીમાં ૧૨૦ બેઠક જીતી. મુરલી મનોહર જાેશીને પ્રમુખ બનાવાયા હતા. ૧૯૯૩- હવે ફરી એકવાર અડવાણી ભાજપના અધ્યક્ષ બન્યા. પક્ષને પસંદ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો અને ભાજપ રાષ્ટ્રીય સ્તરે પસંદગીનો પક્ષ બન્યો. ૧૯૯૫- દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ પછી હવે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર, ઓડિશા, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપ દેખાઈ રહી છે. ૧૯૯૬- સામાન્ય ચૂંટણીઓ યોજાઈ અને ભાજપે ૧૬૧ બેઠકો જીતીને લોકસભામાં પોતાને એક મુખ્ય પક્ષ બનાવ્યો. અટલ બિહારી વાજપેયીએ પીએમ પદ માટે શપથ લીધા હતા. પરંતુ પાર્ટી બહુમતી મેળવી શકી ન હતી, જેના કારણે તેમણે માત્ર ૧૩ દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ જનતા દળના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની, જે ટકી શકી નહીં. ૧૯૯૮- મધ્યગાળાની ચૂંટણીમાં ભાજપે એનડીએના નામથી ગઠબંધન કર્યું. જેમાં અન્ય ઘણી પાર્ટીઓ સામેલ હતી. આ સાથે ભાજપનો આંકડો ઘટીને ૧૮૨ પર આવી ગયો, જ્યારે વાજપેયી ૨૭૨ સાંસદોના સમર્થન સાથે ફરીથી વડાપ્રધાન બન્યા. ૧૯૯૯- એપ્રિલમાં વાજપેયી એક મતથી બહુમતી મેળવી શક્યા ન હતા. ત્યારે ૩ મેના રોજ કારગિલ યુદ્ધ શરૂ થયું હતું. તે સમયે દેશમાં અટલ સરકાર હતી અને ભારતે યુદ્ધ જીત્યું હતું. ત્યારબાદ ભાજપને ૩૦૩ સાંસદોનું સમર્થન મળ્યું અને તેનો આંકડો ૧૮૩ પર પહોંચ્યો. જેના કારણે વાજપેયી ત્રીજી વખત પીએમ બન્યા. ૨૦૦૪- કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર આવી, જેને ૨૨૨ અને એનડીએને ૧૮૬ બેઠકો મળી. ૨૦૦૯માં ભાજપના સાંસદોની સંખ્યા ઘટીને ૧૧૬ થઈ ગઈ. ૨૦૧૪- આ વખતે ભાજપે ૨૮૨ સીટો જીતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. ૨૦૧૯- પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના વળતા હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ ભાજપે ચૂંટણીમાં પોતાના દમ પર ૩૦૩ બેઠકો જીતી અને ફરી એકવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.
