નવીદિલ્હી
વિશ્વ મંદીની ચપેટમાં ધીમે ધીમે આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે શ્રીલંકા બાદ નેપાળમાં પણ આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. છેલ્લા ૨૦ દિવસથી દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે સાથે દવાઓની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. નેપાળે છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના પત્તાના સેટ વિદેશથી આયાત કર્યા છે. પેટ્રોલમાં ૪૧ રૂપિયા અને ડીઝલમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે. ઉપરાંત સરસોના તેલની કિંમતમાં પણ વધારો થતા ૧૫ લીટર ટીનમાં ૩૫૦ રૂપિયાનો વધારો થયો છે. આર્થિક સંકટ વધતા નેપાળે શરાબ, તમાકુ, કાર તથા અન્ય મોંઘા સામાનોની આયાત પર ઔપચારિક રૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળમાં જુલાઈ ૨૦૨૧ બાદથી જ આયાત, રોકાણમાં ઘટાડો થઈ રહ્યો છે તથા પ્રવાસન સ્થળ પરનો ઘસારો ઓછા થતા અને નિકાસથી થતી આવકમાં ઘટાડો થતા વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. નેપાળની કેન્દ્રીય બેંક ‘નેપાળ રાષ્ટ્ર બેંક’ના ડેપ્યુટી ગવર્નર બમ બહાદુર મિશ્રાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે, મંગળવારથી પ્રતિબંધ લાગુ થઈ ગયો છે તથા આ પ્રતિબંધ જુલાઈ ૨૦૨૨ના મધ્યગાળા સુધી લાગુ રહેશે. જેની નોટિસ નેપાળના રાજપત્રમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે. નેપાળ રાષ્ટ્ર બેંક’ના ડેપ્યુટી ગવર્નર બમ બહાદુર મિશ્રાએ જણાવ્યું કે, વિદેશી મુદ્રાને રોકવા માટે કાર, ૨૫૦ સીસીથી વધુના બાઈક, ૩૨ ઈંચથી વધુની કલર ટીવી, તંબાકુ અને દારૂ જેવી લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોની આયાતની કિંમતમાં વધારો થવાને કારણે નેપાળ પર અસર થઈ રહી છે. જેના કારણે દવાથી લઈને દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુ તથા ખાવા પીવાની વસ્તુઓમાં પણ બહોળો ભાવવધારો થઈ રહ્યો છે. ૮ મહિનામાં નેપાળના વિદેશી મુદ્રા ભંડારમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. પ્રવાસન સ્થળમાંથી થતી આવક નેપાળની આર્થિક આવકનો સૌથી મોટો સ્ત્રોત છે પરંતુ, કોરોનાને કારણે તેના પર ગંભીર અસર થઈ છે. નેપાળે છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના પત્તાંને વિદેશથી આયાત કર્યા છે. નેપાળમાં માત્ર કસીનોમાં જ નહીં, પરંતુ દશેરા, દિવાળી જેવા તહેવારોના અવસરે પણ ઘરે ઘરે તાશ રમવાની પરંપરા છે. માત્ર દિવાળીના દિવસે જ ૯ કરોડથી વધુના પત્તાં આયાત કરવામાં આવ્યા હતા.
