નવીદિલ્હી
અમેરિકાની ૧૮ વર્ષની કોકો ગોફે ચીનની ઝાંગ શુઆઈ સામેની મહિલા એકલ મેચમાં જીત મેળવીને યુએસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફ્રેન્ચ ઓપનની રનર અપ રહેલી ગોફ મેલાની ઓડિન પછી યુએસ ઓપનના અંતિમ આઠના રાઉન્ડમાં પહોંચનાર સૌથી યુવા વયની ખેલાડી બની ગઈ છે. ઓડને ૨૦૦૯માં ૧૭ વર્ષની ઉંમરે યુએસ ઓપન ક્વાર્ટરમાં પહોંચવાની ઉપલબ્ધિ મેળવી હતી. ચોથા રાઉન્ડમાં ગોફનો ચીનની પ્રતિસ્પર્ધી સામે ૭-૬, ૭-૫થી વિજય થયો હતો. કોકો ગોફે મેચમાં જીત મેળવ્યા બાદ જણાવ્યું હતું કે, હું મારી જાતને બૂમો પાડતી સાંભળી શકતી નથી. હું હજુ વધુ આગળ વધ વાનો ઈરાદો ધરાવું છું. હું આ ક્ષણમાં વધુ રહેવાનું પસંદ કરું છું. ૧૨માં ક્રમાંકની ગોફ અને ફ્રાન્સની કેરોલિન ગાર્સિયા વચ્ચે મંગળવારે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે. પુરૂષ વર્ગમાં ૨૩મો સીડ ધરાવતા નિક કિર્ગિયોસે ગત ચેમ્પિયન અને વિશ્વના નંબર વન દાનિલ મેડ્વેદેવને ૭-૬ (૧૧), ૩-૬, ૬-૩, ૬-૨થી હરાવ્યો હતો. હવે આગામી રાઉન્ડમાં તેનો મુકાબલો ૨૭મો સીડ ધરાવતા કારેન ખાચાનોવ સામે થશે. મેન્સ સિંગલ્સની અન્ય ક્વાર્ટર ફાઈનલમાં ફ્રેન્ચ ઓપનના ઉપવિજેતા રહેલા કેસ્પર રુડ અને વિમ્બલ્ડનના રનર અપ માતેઓ બેરેટિની આમને-સામને થશે. ઉલ્લેખનીય છે કે યુએસ ઓપન સમાપ્ત થયા બાદ મેડ્વેદેવ ટેનિસ રેન્કિંગમાં ટોચનો ક્રમ ગુમાવશે. રાફેલ નડાલ, કાર્લોસ અલ્કારાઝ અથવા રુડમાંથી કોઈ એક ખેલાડી મોખરાનું સ્થાન મેળવી શકે છે. મહિલા એકલની અન્ય ક્વાર્ટર ફાઈનલમાં અજલા ટોમજાનોવિચનો સામનો પાંચમાં ક્રમની ઓન્સ જબાઉર સામે થશે. અજલાએ તાજેતરમાં જ ટેનિસની દિગજ્જ ખેલાડી સેરેના વિલિયન્સને હરાવી હતી. ટોમજાનોવિચે લ્યુડમિલાને ૭-૬(૮), ૬-૧થી પરાજીત કરી હતી જ્યારે જબાઉરે વેરોનિકા કુદેરમેતોવાને ૭-૬(૧), ૬-૪થી હરાવી હતી.

