નવીદિલ્હી
ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત બુધવારે જાહેર થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તેના કારકિર્દીના શ્રેષ્ઠ પાંચમાં ક્રમે પહોંચ્યો છે. જ્યારે વરિષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી હાલ તેના ખરાબ ફોર્મને પગલ મોટી ઈનિંગ નહીં રમી શકતા ટોપ ૧૦ બેટ્સમેનની યાદીમાંથી બહાર થયો છે. છેલ્લા છ વર્ષમાં સૌપ્રથમ વખત આવું બન્યું છે કે કોહલી શ્રેષ્ઠ ૧૦ ટેસ્ટ બેટ્સમેનમાં સ્થાન મેળવી શક્યો નથી. રિશભ પંતે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી (૧૪૬) અને ત્યારબાદ બીજી ઈનિંગમાં અડધી સદી (૫૭) ફટકારતા તેના રેન્કિંગમાં નોંધપાત્ર ફાયદો થયો છે. આ ઉપરાંત છેલ્લી છ ટેસ્ટ ઈનિંગ્સમાં પંતે બે સદી તેમજ ત્રણ અડધી સદી ફટકારી હતી. કોહલી ચાર સ્થાન સરકીને ૧૩માં ક્રમે રહ્યો છે.


