નવીદિલ્હી
૧૫-૧૮ વર્ષની વયના ૪૪૨૮૧૨૫૪ કિશોરોને કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ દેશને અભિનંદન પાઠવ્યા છે. એક ટિ્વટમાં તેમણે કહ્યું કે ભારતે પાત્રતા ધરાવતી વસ્તીના ૯૫ ટકાથી વધુ લોકોને કોવિડ-૧૯નો પ્રથમ ડોઝ આપવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે. તેમણે કહ્યુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓની સખત મહેનત અને જનભાગીદારીના કારણે દેશ આ અભિયાનમાં સતત આગળ વધી રહ્યો છે.ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીના રોજ દેશમાં આરોગ્ય કર્મચારીઓને રસીની રજૂઆત સાથે રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૧થી ફ્રન્ટલાઈન વર્કરોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યુ હતુ. પછીના તબક્કામાં અન્ય જૂથોને વેક્સિન આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ૩ જાન્યુઆરીથી ૧૫-૧૮ વર્ષની વયજૂથના કિશોરોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.કોરોના વાયરસ સામે લડવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવમાં આવે છે. ત્યારે દેશમાં હાલ પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, માત્ર ૧૯ દિવસમાં કોરોના વેક્સિનના ૧ કરોડથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૯૫ ટકા પાત્ર પુખ્ત વયના લોકોને એન્ટિ-કોવિડ-૧૯ રસીઓનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે ૭૪ ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ મેળવી લીધા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ગુરુવારે સાંજે ૭ વાગ્યા સુધીમાં એન્ટી-કોવિડ-૧૯ રસીના ૪૯,૬૯,૮૦૫ ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં આ રસીનો આંકડો ૧૬૪.૩૫ કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં અન્ય ગંભીર રોગોથી પીડાતા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોવિડ રસીના ૧,૦૩,૦૪,૮૪૭ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
