Gujarat

અખાત્રીજ નિમિતે યોજાનારા લગ્ન પ્રસંગોમાં થતા બાળલગ્નો અટકાવવા આયોજક માતા-પિતા સહિત સામેલ તમામ સામે થશે કાર્યવાહી.

છોટાઉદેપુર:
  સમગ્ર રાજયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અમલમાં છે. હિન્દુ પરંપરા મુજબ અક્ષય તૃતિયા (અખાત્રીજ) નિમિતે મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો થાય છે અને ઘણા સમુદાયોમાં સગીર છોકરા છોકરીઓના લગ્નો પણ થાય છે. કોઈપણ સમાજના છોકરાની ઉમર ૨૧ વર્ષ અને છોકરીની ઉંમર ૧૮ વર્ષ હોય તો લગ્ન માન્ય અને કાયદેસરના ગણાય છે. અન્યથા આનાથી ઓછી ઉંમરના લગ્નને બાળલગ્ન ગણવામાં આવે છે. જે બાળલગ્ન ધારો-૨૦૦૬નો ભંગ ગણાય છે. છોટાઉદેપુર જિલ્લામાં જો ક્યાંય પણ બાળલગ્ન કરવામાં આવશે તો બાળલગ્ન કરનાર પુરૂષ અને દિકરી એમ બંને લગ્નનું સંચાલન કરાવનાર, સુચના આપનાર, મદદરૂપ થનાર, સમૂહ લગ્નના આયોજકો, હાજરી આપનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ, કે અન્ય ધાર્મિક આગેવાનો, બેન્ડવાજા અને ડી.જેના માલિકો, ફરાસખાના/મંડપના સર્વિસ પુરી પાડનાર, રસોઇયા, ફોટોગ્રાફર વગેરેની સામે આ કાયદાની જોગવાઇ હેઠળ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જયારે પણ લગ્ન કરવામાં આવે ત્યારે દિકરા-દિકરીની ઉંમર ચકાસવી ખૂબ જરૂરી છે. જો તેમ કરવામાં ન આવે અને લગ્નનું આયોજન થયા બાદ બાળલગ્ન અટકાવવામાં આવે ત્યારે પરિવારે સમાજમાં શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે અને કુંટુંબની પ્રતિષ્ઠા ઉપર વિપરિત અસર પડે છે. તદઉપરાંત તમામ ખર્ચ માથે પડે છે. બાળલગ્ન કરવામાં આવે તો બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખના દંડની સજાને પાત્ર હોવાનું બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *