Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં આગામી તા.૫ થી ૧૯ જુલાઇ દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન

 

 

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો અપાયા

 

જામનગર જિલ્લા પંચાયતની બેઠક દીઠ બે ગામોમાં ૧૫ દિવસ દરમિયાન વિકાસ રથ ભ્રમણ કરશે તેમજ વિકાસના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા મંજૂર થયેલ કામોની જાહેરાત, કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, સાફલ્યગાથા જેવા કાર્યક્રમો યોજાશે

 

જામનગર તા.૨૭ જૂન, ભારતની આઝાદીના ૭૫વર્ષની ઉજવણી નિમિતે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતનાં દરેક જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં આગામી તા.૫-૦૭-૨૦૨૨ થી તા.૧૯-૦૭-૨૦૨૨ સુધી યોજાનારા આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. 

 

જામનગર જિલ્લામાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના ૧૫ દિવસ દરમિયાન ત્રણ રથ પૈકી એક રથ મહાનગર પાલિકા વિસ્તારમાં તેમજ બે રથ તાલુકાના વિસ્તારોમાં ભ્રમણ કરશે. જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠક પૈકી બેઠક દીઠ બે-બે ગામોએ તા.૫ જુલાઈથી સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ અને સાંજે ૪:૩૦થી ૬:૩૦ દરમિયાન વિકાસના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા મંજૂર થયેલ કામોની જાહેરાત, કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય,કીટ, પ્રમાણપત્ર વિતરણ, સાફલ્યગાથા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ બપોરે ૧ થી ૪ના સમયે દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્માન ભારત,પી. એમ. જે. વાય અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્પ, કેવાયસી દ્વારા અપડેટેશન તથા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે.

 

આ બેઠકમાં નિવાસી અધિક નિવાસી કલેકટર શ્રી મીતેશ પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કિર્તનબેન રાઠોડ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના તેમજ સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *