બોરસદ
ગુજરાતના આણંદના બોરસદ તાલુકાના અલારસાના અભેટાપુરાના તળાવ પાસે રેલ્વેની કામગીરી દરમ્યાન મૂર્તિ મળી આવી. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા તાબે આવેલ અભેટાપુરાના તળાવમાં રેલવેની કામગીરીને લઇ ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળતાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યાં હતાં અને શિવલિંગની પ્રતિકૃતિના દર્શન કરી રહ્યા હતા. આ અંગેની જાણ થતાં મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયા હતા. માટીમાંથી મળેલી પ્રતિકૃતિ અંગે પૂછતાં બોરસદ મામલતદાર આરતીબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શિવલિંગ જ છે, તે કહેવું મુશ્કેલ છે. કારણ કે આ પુરાતત્વ વિભાગનો વિષય છે. અલારસા તાબે આવેલ અભેટાપુરાના તળાવમાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. જેમાંથી નીકળતી માટીને રેલવે કોરીડોરની કામગીરી માટે લઇ જવામાં આવી રહીં છે. આ તળાવમાં માટી ખોદકામ દરમિયાન ડાબી સાઇડે એક જુના વૃક્ષના થડીયા જેવો આકાર જાેવા મળ્યો હતો. લોકો પહેલાં ઝાડનું થડ સમજી રહ્યાં હતા. બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા થડ જેવી દેખાઈ રહેલ કૃતિ પરથી પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જાેવા મળ્યો હતો. ગામના લોકો તળાવ ખાતે ભેગા થયા હતા અને તપાસ કરતા જૂની કાળી માટીનો લેપ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું અને તેનો આકાર શિવલિંગ જેવો દેખાતો હતો. આ વાતની જાણ આજુબાજુના ગામોમાં વાયુવેગે ફરી વળતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. આ અંગે પુરાતત્વ વિભાગને જાણ કરાશે અને વાસ્તવમાં આ પ્રતિકૃતિ શું છે તેની ચકાસાશે તેમ મામલતદાર આરતીબેને જણાવ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યાં હતા બીજી તરફ ભેખડ ધસી પડવાની સંભવના હોવાથી તંત્રએ લોકોને અહીંથી દૂર રહેવા અપીલ કરી હતી તેમજ પોલીસે પણ તળાવમાંથી લોકોને બહાર કાઢી જાેખમી જગ્યા હોય દૂર રહેવા જણાવ્યું હતું. હાલ તો આજુબાજુ ગામના લોકો પણ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી રહ્યાં છે ત્યારે હવે પુરાતત્વ વિભાગ દ્વારા આ અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરાશે ત્યરાબાદ જ નક્કર વિગતો બહાર આવશે.


