માણાવદરના મીનલબેન દોશીએ ‘ગુજરાત માટી કામ કલાકારી બોર્ડ‘માં વિનામૂલ્યે માટી કામની તાલીમ મેળવી પગભર બન્યા છે. તેઓ કહે છે કે, સરકાર દ્વારા માટી કામનું હુન્નર શીખવીને ઉત્પાદન માટે આર્થિક સહાય આપી, વેચવા માટે શહેરમાં વિનામૂલ્યે સ્ટોલ પણ ફાળવતા રહે છે. તે અમારા હસ્તકલાના કારીગરો માટે લાભકારક રહે છે.
તેઓ વધુમાં કહે છે કે, ઘરની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે મારે કામ કરવું હતું પરંતુ મને કોઈ કામ આવડતું ન હતું. એવામાં હું ચારેક વર્ષ પહેલા સ્વ-સહાય જૂથમાં જોડાઈ. જેના થકી મારુ કલા કૌશલ્ય વિકસ્યું, ને એ કલા એ મને પગભર બનાવી.
તેઓ વધુમાં કહે છે કે, મને જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સી મારફતે ‘ગુજરાત માટી કામ કલાકારી બોર્ડ‘ દ્વારા માટી કામના સાધનો ઘરેણા બનાવવાની ૨૦ દિવસની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી. જેના થકી મારી માટી કામ માટેની હસ્તકલાનો વિકાસ થતો ગયો. ધીમે ધીમે મેં ઉત્પાદન શરૂ કર્યું. તેનો વ્યાપ પણ વધતો ગયો. આજે એના થકી હું પગભર બની છું, રોજગારી પ્રાપ્ત કરી રહી છું.
મારા માટી કામના ઉત્પાદનને વેચાણ માટેનું બજાર પણ તમે સમયાંતરે ‘ઇન્ડેક્સ – સી‘ અને ‘ગુજરાત આર્થિક વિકાસ નિગમ‘ દ્વારા યોજાતા હસ્તકલાના મેળા મારફત મળી રહે છે. આવા મેળા શહેરોમાં યોજાતા હોવાથી મારા જેવી ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારના મહિલાઓના જૂથને પોતાની હસ્ત કલાની વેચાણનું વિશાળ શહેરી માર્કેટ મળી રહે છે. તેમ માણાવદરમાં બુદ્ધમ સખી મંડળ ચલાવતા સ્વ-સહાય જૂથના મીનલબેન દોશીએ જણાવ્યું હતું.
તેઓને જૂનાગઢમાં યોજાયેલા સખી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ પ્રાપ્ત થયો છે, જેમાં તેઓ દીવડા, કી હોલ્ડર, અગરબત્તી સ્ટેન્ડ, ગણપતિ, માટીના ઘરેણા સહિતની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે. તેમના જૂથને મળતું રિવોલવિંગ ફંડ પણ તેઓને ખૂબ ઉપયોગી થાય છે. તેમ તેના આ જૂથના જ અન્ય સભ્ય શ્રી પૂજાબેન રાઠોડે જણાવ્યું હતું.

