બારડોલી
કામરેજ ખાતે રહેતા અને ઇલેક્ટ્રિક વાયરિંગનો કોન્ટ્રાક્ટ લેતા બે ભાગીદાર યુવાનો પોતાનું કામ પતાવી પોતામાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કામરેજ ટોલટેક્ષ નજીક આંબોલી ગામની સીમમાં મોટરસાઇકલને આંતરીને રિક્ષામાં આવેલા ૪ ઈસમોને લાકડી તેમજ લોખંડનાં પાઇપ વડે ફટકા મારી બન્ને ઈસમો પાસેથી ૩૪ હજારના રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. રીક્ષાનાં પાછળનાં ભાગે કિમ પોલીસ મથક લખ્યું હોવાનું ભોગ બનનારાઓએ કામરેજ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. ઘટના બાબતે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ અમદાવાદના અને હાલ સુરત જિલ્લાના કામરેજ ખાતે કેનાલ રોડ પર એ.સી.બી.મોલની નજીક રિદ્ધિ સિદ્ધિ રેસિડેન્સીમાં રહેતા પવનકુમાર લવજીભાઈ ડાભી અલગ અલગ સોસાયટીમાં ઇલેક્ટ્રીક વાયરિંગનું કોન્ટ્રાક્ટર લઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેવો અશ્વિનભાઈ બાલાભાઈ મારુંની ભાગીદારીમાં કોન્ટ્રાકટ રાખે છે. દરમિયાન સાંજના સમયે કિમના પીપોદરા ખાતેથી એક સોસાયટીમાં કામ કરી બન્ને ભાગીદારો મોટરસાઈકલ પર બન્ને પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે ટોલટેક્ષ નજીક આંબોલી ગામની સીમમાં નેશનલ હાઇવે પર તેમની મોપેડ નજીક એક રીક્ષા આવી હતી. જેમાંથી એક ઇસમે લાકડાનો ફટકો મારી તેમના ભાગીદાર અશ્વિનભાઈને નીચે પાડી દીધા હતા. જે બાદ અન્ય ત્રણ ઈસમોએ આવી લાકડા અને લોખંડનો પાઇપ લઈ બંન્ને માર મારી પવન કુમાર પાસેથી ૨૫ હજાર રોકડ અને અશ્વિનભાઈ પાસેથી ૯ હજાર રોકડ લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. બન્નેએ પોલીસ સમક્ષ રિક્ષાનો નંબર જીજે ૦૫ ૮૩૩૬ નોંધ્યો હતો અને રીક્ષા પાછળ કિમ પોલીસ સ્ટેશન લખ્યું હતું, તેવું પણ જણાવ્યું હતું. ઘટના બાદ ઇજાગ્રસ્ત પવન કુમારને કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના અંગે પવન કુમારે કામરેજ પોલીસ મથકમાં અજાણ્યા ૪ ઈસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ આપી હતી. કામરેજ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.


