૧૫ થી ૨૦ ગામના લોકોને પરેશાની દૂર થાય તેમ છે..
ઊનાના સનખડા ગામમાં પોલીસ સ્ટેશન બનાવવા માટે ગ્રામ પંચાયત દ્રારા જગ્યા ફાળવેલ હોય તે જગ્યા પર મંજુર થયેલ વર્ષોથી પોલીસ સ્ટેશનનું બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી. આથી તાત્કાલીક પોલીસ સ્ટેશનનું બાંધકામ શરૂ કરવા તાલુકા પંચાયત સદસ્ય પુનુબા માંડણભાઇ ગોહીલે જીલ્લા એસ પી ને રજુઆત કરી હતી.
ઊનાના સનખડા ગામે વર્ષોથી પોલીસ સ્ટેશન નવું બનાવવા માટે મંજુર થઇ ગયેલ હોય તેમ છતાં પોલીસ સ્ટેશનનું બાંધકામ આજ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. સનખડા ગ્રામ પંચાયત દ્રારા જગ્યા પણ ફાળવેલ તેમ છતાં કોના વાંકે આ નવું પોલીસ સ્ટેશન બનાવવા માટેનું બાંધકામ અટકી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારના સનખડા ગામ હેઠળ આવતા ૧૫ થી ૨૦ ગામ લોકોને જ્યારે કોઇ ઘટના કે પોલીસને લગતી કામગીરી માટે ઉના સુધી ધક્કો ખાવો પડે છે. જેથી પોલીસ સ્ટેશન સનખડામાં કાયમી કાર્યરત કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠી રહી છે. અને હાલમાં સનખડા આઉટ પોસ્ટ ગાંગડા ગામે છે તે સનખડામાં કાયમી માટે કરવામાં આવે અને અગાઉ આ બાબતે ગ્રામજનો દ્રારા રજુઆતો પણ કરેલ હોય તેમ છતાં આજ સુધી તંત્ર દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ અંગે સ્થળ મુલાકાત લઇ આગળની કાર્યવાહી કરવા આ વિસ્તારના ગામ લોકોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી તાત્કાલીક આ મંજુર થયેલ પોલીસ સ્ટેશનનું બાંધકામ શરૂ કરવા તા.પંચાયત સદસ્યએ ગીરસોમનાથ જીલ્લા એસપીને લેખિત રજુઆત કરી હતી.


