Gujarat

ગાંધીનગરમાં પતિએ પત્નીને ઘર કંકાસના કારણે ૧૦ માસની દીકરીને છીનવી લઈ તરછોડી

ગાંધીનગર
દહેગામના એક ગામમાં ઘર કામકાજ બાબતે વારંવાર કજિયા થવાથી દસ મહિનાની દૂધ પીતી દીકરીને છીનવી લઈ પતિએ પત્નીને તરછોડી દીધી હતી. ત્યારે સતત બે દિવસ સુધી પોતાની દીકરીને દૂધ પીવડાવવા માટે વલખાં મારી પરિણીતાએ અનેક વિનંતી કરવા છતાં પતિ અને સસરા ટસનામસ નહીં થયાની ઘટના પ્રકાશમાં આવી છે. દહેગામના એક ગામમાં ઘર કંકાસના કારણે દસ મહિનાની દીકરીને માતાની હૂંફથી વંચિત કરી દેવામાં આવી હતી. દહેગામની પરિણીતાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. પ્રારંભમાં દંપતીનો ઘર સંસાર સુખમય રીતે પસાર થઈ રહ્યો હતો. જાે કે સમય જતાં ઘરમાં નાની નાની બાબતે સાસુ મહેણાં ટોણાં મારવા લાગ્યા હતા. અને સસરા પણ માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. જેનાં કારણે નાના મોટા ઝગડા રોજીંદા બની જતાં દંપતી અલગથી રહેવા લાગ્યું હતું. અહીં બંનેનો સંસાર પાછો હસીખુશી પસાર થતાં પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. બાદમાં બધું ઠીક થઈ જશે સમજીને પતિ પત્ની પાછા પોતાના ઘરે રહેવા આવી ગયા હતા. જાે કે થોડાક દિવસોમાં ઘરમાં ઘરકંકાસ થવા લાગ્યો હતો. આ બાબતે પરિણીતા તેના પતિને વાત કરતી તો પતિ પણ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. આખરે રોજબરોજનાં ઝગડાથી કંટાળીને પરિણીતાએ પિયર જવાની વાત કરતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને મારઝૂડ કરીને દસ માસની દીકરીને છીનવી લઈ પત્નીને જબરજસ્તીથી પિયરમાં તરછોડી આવ્યો હતો. આ તરફ દૂધ પીતી દીકરીને પતિએ છીનવી લેતાં પરિણીતા વલોપાત કરવા લાગી હતી. આથી પિયરનાં લોકો તેણીને લઈને સાસરીમાં ગયા હતા. અને બધા ભેગા મળીને દીકરી દૂધ પીતી હોવાથી તેને માતાની હૂંફની પણ જરૂર હોવાની વાત મૂકી કગરર્યા પણ હતા. તેમ છતાં પતિ અને સસરા ટસનામસ થયા ન હતા. આખરે હારી થાકીને પરિણીતાએ દીકરી પરત મેળવવા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરીને મદદ માંગી હતી. જેનાં પગલે મહિલા હેલ્પ લાઈનના કાઉન્સિલર ભાવનાબેન પરમાર ટીમ સાથે પરિણીતાને લઈને તેની સાસરીમાં ગયા હતા. જ્યાં પતિ સહિતનાં લોકોને કુનેહપૂર્વક કાયદાકીય સમજ આપી માં દીકરીનું મિલન કરાવ્યું હતું. અને સાસરિયાએ સમાજ રાહે સમાધાન કરવા માટે તૈયારી દર્શાવી હતી.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *