“નવી દિશા-નવું ફલક” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ધો. ૦૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન સેમીનારનું એસ.એફ. હાલસ્કૂલ, છોટાઉદેપુર ખાતે સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતી.
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન ‘વંદે ગુજરાત’ ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ સુશ્રી ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરપર્સન ભાવનાબેન રાઠવા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
સાંસદ સુશ્રી ગીતાબેન રાઠવાએ અધ્યક્ષ સ્થાનેથી બોલતા જણાવ્યું હતું કે, આપણી સરકાર દરેક નાનામાં નાના અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ હોય છે. તેના જ ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતભરમાં ‘વંદે ગુજરાત’ ચેનલના માધ્યમથી જિલ્લા કક્ષાએ આ પ્રકારના કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આવા કાર્યક્રમનો આપણે સૌએ બહુ જ સારી રીતે ઉપયોગ કરી દસમા તેમજ બારમા ધોરણ પછી સારા ક્ષેત્રમાં પ્રવેશ લઇ દેશના વિકાસમાં સહભાગી થઈએ. તેઓએ વધુમાં જણાવ્યું કે, આજે મને આ કાર્યક્રમ નિહાળતા ભારે ખુશી અનુભવાય છે કે કાર્યક્રમમાં બહુ વિશાળ સંખ્યામાં મારી વિદ્યાર્થીની દીકરીઓ જોવા મળી રહી છે. આપણે ભલે નાના અને ગરીબ પરિવારમાંથી આવતા હોઈએ પરંતુ આવા કાર્યક્રમના થકી આપણે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ એક ચાની લારી પર પોતાના પિતા સાથે ચા વેચતા હતા તેમાંથી આજે દેશની ઉચ્ચ જવાબદારી નિભાવવા સાથે સમગ્ર વિશ્વમાં આપણા દેશનું આગવું સ્થાન ઉભું કર્યું છે.
કાર્યક્રમને સંબોધિત કરતા જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે જણાવ્યું કે, આવા મહત્વના અને આપણા લક્ષ્ય સિદ્ધિમાં ઉપયોગી એવા આ કારકિર્દી માર્ગદર્શનનો આપણે વધુમાં વધુ લાભ લેવો જોઈએ. આજે સરકારી સંસ્થાનો બહુ જ આધુનિક ટેકનોલોજીથી સજ્જ અને તાલીમબદ્ધ શિક્ષકગણ સાથે ઉપલબ્ધ છે. પોતાનો અંગત અનુભવ જણાવતા તેમણે કહ્યું કે, મેં પણ પહેલા ધોરણથી સંપૂર્ણ અભ્યાસ સરકારી સંસ્થાનોમાં રહીને જ કર્યો છે.આપણે અથાગ પરિશ્રમ અને શિક્ષકગણના સહકાર તેમજ આવા કાર્યક્રમોથી પોતાના જીવનને પ્રગતિના શિખરો સર કરાવવા સાથે આપણા દેશની પ્રગતિમાં સહભાગી થવું જોઈએ.
કાર્યક્રમની રૂપરેખા વર્ણવતા જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્નાબેન પાચાણીએ સૌ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પછી રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીએ રાજ્યના વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે એક વિશેષ સંદેશ પાઠવ્યો હતો. આ સાથે જ રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પછી કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ વંદે ગુજરાત ચેનલના માધ્યમથી રોજગાર અને તાલીમ વિભાગ, ટેકનિકલ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ વિભાગ તેમજ પશુપાલન વિભાગના જુદા જુદા તજજ્ઞશ્રીઓ એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ જિલ્લા ઔધોગિક તાલીમ સંસ્થા તરફથી સંસ્થામાં ચાલતા વિવિધ કોર્ષ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ પછી વિશેષ જાણકારી મળ્યાના આનંદ સાથે બાળકોમાં એક નવો ઉત્સાહ અને નવો જોમ જોવા મળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


