પ્રવાસ કે અન્ય કોઇ કારણસર લાંબી મુસાફરી કે પછી ફ્રીમાં ચાર્જિંગના લોભમાં કેટલીંકવાર લોકો જાહેરસ્થળોએ મુકવામાં આવેલાં ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે આવા સ્થળોએ હેકર્સ દ્વારા મોબાઇલ હેક કરવાની શક્યતાઓ વધી જતી હોય છે. જેના પગલે ભરૂચ એસપીએ જાહેર સ્થળોએ મોબાઇલ ચાર્જિગ કરતી વેળાં સતર્કતા રાખવાનું સુચવ્યું છે.
લાંબા અંતરની મુસાફરીમાં મોટેભાગે લોકોને તેમના સ્માર્ટ ફોન ડિસ્ચાર્જ થવાના સમસ્યાઓનો છાસવારે સામનો કરવો પડે છે. ત્યારે ઘણી વખત રેલવે સ્ટેશન, મૉલ, એરપોર્ટ, મેટ્રો અને બસ સ્ટેન્ડ પર મુકવામાં આવતાં પબ્લિક ચાર્જિગ સૉકેટનો ઉપયોગ લોકો તેમના મોબાઇલ ચાર્જ કરવા માટે કરતાં હોય છે. ત્યારે મોબાઇલ ચાર્જ કરવાની જાહેર અને ફ્રી સુવિધાની લાલચ લોકોને મોટી આફતમાં મુકી શકે છે.
ભરૂચ એસપી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, સાયબર એટેકર્સ માલવેર ઇન્સ્ટોલ કરવા, ડેટા ચોરી કરવા અથવા તો મોબાઇલ ઉપકરણ પર સંપુર્ણ નિયત્રંણ મેળવવા માટે જાહેર સ્થળોએ ઉપ્લબ્ધ ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરે છે. હેકર્સ મોબાઇલને નહીં પણ આખી ચાર્જિંગ સોકેટને હેક કરી લેતાં હોય છે. જેે બાદ જ્યારે લોકો હેક્ડ ચાર્જિંગ સોકેટમાં તેમનો સ્માર્ટ ફોન ચાર્જિંગ માટે પ્લગ ઇન કરે ત્યારે હેકર્સ તેને હેક કરી લેતાં હોય છે. હેક્ડ ચાર્જિગ સૉકેટમાં ફોનને લગાવતા જ મોબાઇલ ડિવાઈસ પ્રભાવિત થઇ જશે. આવુ માત્ર ચાર્જિગ સૉકેટની સાથે જ નહીં, પરંતુ પબ્લિક Wi-Fiની સાથે પણ થાય છે.


