પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લાના યુવાનોને રોજગારી નિમણૂક પત્ર અને એપ્રેન્ટીસશીપ નિમણુંક પ્રમાણપત્રો વિતરણ નો કાર્યક્રમ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયો હતો.
શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયેલ યુવાનોને રોજગાર અને એપ્રેન્ટીસ્ટ નિમણૂક પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં કુલ ૧૦૦૦ યુવાનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જરૂરિયાત મુજબ કુશળ માનવબળ મેળવવા માટે ઉદ્યોગોને અનુરૂપ જગ્યાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનો નવતર અભિગમ સૌપ્રથમ ગુજરાત રાજ્ય એ અમલમાં મૂક્યો છે. રોજગાર કચેરીઓ વડે રાજ્યના રોજગાર મેળવવા માંગતા ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે નોકરીદાતાઓ અને ઉમેદવારોને એક મંચ પર ભેગા કરીને નોકરી દાતાઓને માનવબળ તથા ઉમેદવારોને રોજગારી પૂરી પાડવાનું ભગીરથ કામ અમારી ડબલ એન્જિનની સરકાર કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને આઇટીઆઇ મારફતે રોજગારી મેળવવા અને નોકરીમાં જોડાતા પહેલાની તાલીમ માટેની તકો પૂરી પાડી ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં ૨૬ મેળા ભરતી મેળા યોજી નોકરીમાં જોડાતા પહેલાની જરૂરી તાલીમ મેળવવા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની રોજગાર કચેરી મારફતે ગત પાંચ વર્ષમાં અનેક યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે. તેમજ અનુબંધમ વેબ પોર્ટલમાં જૂનાગઢ જિલ્લાના ૬૩૫૬ ઉમેદવારો તથા ૬૯૪ નોકરીદાતા નોંધાયેલા છે. જૂનાગઢ જિલ્લાની દરેક આઈટીઆઈ માં માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. તથા ઉદ્યોગોને અનુરૂપ આધુનિક સાધનોથી સજ બનાવેલ છે.
આ પ્રસંગે જૂનાગઢના મનપા મેયર શ્રી ગીતાબેન પરમાર એ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર યુવાનોને રોજગારી મળી રહે, બહેનો પણ આત્મનિર્ભર બને એ માટે કટિબદ્ધ છે.
ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા એ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા યુવાનોને રોજગારી માટે તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ માટે અનેક વિવિધ યોજનાઓ, કાર્યક્રમો કાર્યરત છે. જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી તન્નાએ યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, યુવાનો શિક્ષણની સાથે સ્કિલ ડેવલોપમેન્ટ કરી હશે તો આજીવિકા સરળતાથી મેળવી શકશે. અને અભ્યાસ બાદ રોજગારી મેળવવા માટે નકારાત્મક લાગણી નહીં રહે. સરકારે વર્ષો પહેલા હાલની જરૂરિયાતને ઓળખી સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. ત્યારે તેમને યુવાનોને સ્કિલ પર ફોકસ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશભાઈ ચાવડા, આભાર વિધિ પ્રિન્સિપલ શ્રી આર.પી. ભટ્ટીએ અને કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું.આ પ્રસંગે કોર્પોરેટર શ્રી પલ્લવીબેન ઠાકર, શ્રી વત્સલાબેન દવે, પ્રિન્સિપાલ શ્રી વી.જે. મારુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


