રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં ૩ વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ આત્મહત્યના વધતા જતા બનાવોને લઈને લોકો પણ ચિંતિત જોવા મળી રહ્યાં છે. આત્મહત્યાનું વધતું જતું પ્રમાણ માનવ સમાજ માટે કરુણ ઘટના સમાન માનવામાં આવી રહ્યું છે. તાલુકામાં સામુહિક આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યાં છે.
તાલુકામાં બેરોજગારી, બીમારી અને ઘરકંકાસ જેવા કારણોથી આપઘાત કરવાના કિસ્સા ખુબજ વધતા જઈ રહ્યા છે. મુશ્કેલીઓનો સામનો કરવાની જગ્યાએ તેની સામે હાર માનવા વાળા લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. જેના કારણે શહેરમાં આપઘાતના રેશિયોમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા એક અઠવડિયામાં ત્રણ આપઘાતના બનાવો બનવા પામ્યા છે.
શહેરમાં સતત તાણની વચ્ચે જીવતા લોકો કાઉન્સિલિંગના અભાવને લઈને આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે માત્ર કાઉન્સિલિંગને વધુ સક્ષમ કરવામાં આવે તો આવા કરુણ બનાવોની સંખ્યામાં ઘટાડો થઈ શકે.
આજે શહેરના નવાગઢ વિસ્તારમાં ૨૫ વર્ષના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે જેતપુર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુર શહેરના નવાગઢનાં જૂનાવાસમાં રહેતા ભાવેશ હેમંતભાઈ બગડા (ઉ.વ.૨૫) નામના યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી હતી. પરણિત યુવકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. જોકે બનાવના પગલે જેતપુર સિટી પોલીસ પણ દોડી આવી હતી અને મૃતક યુવકની લાશને જેતપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. યુવકે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

